તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
BPCLનો નવો ધમાકો: હવે ૧૦ કિલોનું હળવું અને પારદર્શક સિલિન્ડર મળશે : સુપર-ફાસ્ટ ડિલિવરી
ભારત ગેસ 'લાઇટ ઝિપ' સેવા હેઠળ ગ્રાહકોને મળશે ત્વરિત ગેસ કનેક્શન; પારદર્શક ડિઝાઇન સાથે હવે ગેસનું લેવલ સ્પષ્ટ જોઈ શકાશે થશે

મુંબઈ : ગેસ કનેક્શન મેળવવા અને સિલિન્ડરની અછતને કારણે મુશ્કેલી ભોગવતા ગ્રાહકો માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ મોટા સારા સમાચાર આપ્યા છે. BPCL એ તેની નવી અને આધુનિક 'ભારત ગેસ લાઇટ ઝિપ' સેવા લોન્ચ કરી છે, જે ગ્રાહકોને તાત્કાલિક LPG કનેક્શન અને સુપર-ફાસ્ટ ડિલિવરીની સુવિધા પૂરી પાડશે. આ સેવાનું મુખ્ય આકર્ષણ ૧૦ કિલોગ્રામનું નવું કમ્પોઝિટ સિલિન્ડર છે, જે ખાસ કરીને નાના પરિવારો અને ત્વરિત સેવા ઈચ્છતા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સંજય ખન્ના અને ડિરેક્ટર શુભંકર સેને સોશિયલ મીડિયા પર આ સેવાની વિધિવત જાહેરાત કરી હતી. આ નવું ૧૦ કિલોનું સિલિન્ડર પરંપરાગત લોખંડના સિલિન્ડર કરતા ઘણું હળવું, કાટ-મુક્ત અને સંપૂર્ણપણે સલામત છે. આ સિલિન્ડરની સૌથી મોટી ખાસિયત તેની પારદર્શક બોડી છે, જેના કારણે ગ્રાહકો બહારથી જ જોઈ શકશે કે સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે. આ આધુનિક ડિઝાઇન અને શ્રેષ્ઠ સુરક્ષા ફિચર્સને કારણે તે ભારતીય રસોડામાં ભારે લોકપ્રિય બને તેવી શક્યતા છે.
BPCL એ હાલમાં આ સેવા મુંબઈથી શરૂ કરી છે અને કંપનીનો લક્ષ્યાંક ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ સુધીમાં તેને દેશના ૨૪ રાજ્યોના ૧૦૦થી વધુ શહેરોમાં વિસ્તરણ કરવાનો છે. કિંમતની વાત કરીએ તો, દિલ્હીમાં સામાન્ય ૧૪.૨ કિલોના સિલિન્ડરની કિંમત ₹૯૪૨ અને ૫ કિલોના સિલિન્ડરની કિંમત ₹૮૦૮.૫ છે. જોકે, આ નવા ૧૦ કિલોના સિલિન્ડરની ચોક્કસ કિંમત જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું અનુમાન છે કે પ્રથમ કનેક્શન માટે ₹૩,૦૦૦ થી ₹૪,૦૦૦ ચૂકવવા પડી શકે છે અને સિલિન્ડર રિફિલિંગની કિંમત ₹૧,૫૦૦ સુધી હોઈ શકે છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
