News of Friday, 17th April 2026
સરહદો ઓગળી ને પ્રેમ ખીલ્યો: હિમાચલની રૂકમણી અને સાઉથ આફ્રિકાના જેફ્તે એ હમીરપુરમાં લીધા સાત ફેરા, વિદેશી જાનૈયાઓ પણ ઝૂમી ઉઠ્યા
ચંદીગઢ યુનિવર્સિટીમાં થયેલી દોસ્તી લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ; હિન્દુ રીત-રિવાજ મુજબ યોજાયેલા અનોખા લગ્ન આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યા

હમીરપુર: હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના એક નાનકડા અને શાંત ગામ કાકડમાં તાજેતરમાં એક એવી ઉજવણી જોવા મળી જેણે સાબિત કરી દીધું કે પ્રેમ કોઈ સરહદ, ભાષા કે ધર્મને માનતો નથી. ગામની દીકરી રૂકમણીએ દક્ષિણ આફ્રિકાના જેફ્તે ન્ડાલા સાથે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન કર્યા ત્યારે ભારત અને દક્ષિણ આફ્રિકાના બે વિભિન્ન પરિવારો એકતાના તાંતણે બંધાયા હતા.
યુનિવર્સિટીની મિત્રતા પરિણમી જીવનસાથીમાં
રૂકમણી અને જેફ્તે ન્ડાલાની મુલાકાત ચંદીગઢ યુનિવર્સિટીમાં MBA ના અભ્યાસ દરમિયાન થઈ હતી. શૈક્ષણિક વર્ષોમાં શરૂ થયેલી આ મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ. રાષ્ટ્રીયતા, સંસ્કૃતિ અને ધર્મ અલગ હોવા છતાં બંનેએ સાથે રહેવાનો નિર્ણય લીધો. સૌથી મહત્વની વાત એ છે કે, બંને પરિવારોએ ખુલ્લા મને આ સંબંધનો સ્વીકાર કર્યો. રૂકમણી હિન્દુ પરંપરામાં માને છે જ્યારે જેફ્તે ખ્રિસ્તી પરિવારમાંથી આવે છે, પરંતુ એકબીજા પ્રત્યેના આદરે તેમના આ બંધનને મજબૂત બનાવ્યું છે.
હિન્દુ રિવાજોમાં રંગાયો દક્ષિણ આફ્રિકન વરરાજો
લગ્ન સમારોહ કન્યાના પૈતૃક ઘરે પરંપરાગત હિન્દુ રિવાજો મુજબ યોજાયો હતો. જેફ્તે ન્ડાલાએ અત્યંત ઉત્સાહપૂર્વક તમામ વિધિઓમાં ભાગ લીધો હતો. પવિત્ર અગ્નિની સાક્ષીએ સાત ફેરા (સપ્તપદી) લઈને બંનેએ જન્મ-જન્મનો સાથ નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ લગ્નમાં આંતરરાષ્ટ્રીય રંગ ત્યારે ઉમેરાયો જ્યારે દક્ષિણ આફ્રિકાથી આવેલા મહેમાનોએ પણ ભારતીય પરંપરાગત પોશાક પહેરીને દેશી ગીતો પર ઠુમકા લગાવ્યા હતા.
ગામ માટે ઐતિહાસિક ક્ષણ
કાકડ અને આસપાસના ગામના રહેવાસીઓ આ દુર્લભ દ્રશ્ય જોવા માટે ઉમટી પડ્યા હતા. ગ્રામીણ વાતાવરણમાં આ પ્રકારના આંતરરાષ્ટ્રીય લગ્ન ભાગ્યે જ જોવા મળે છે, તેથી આ ઘટના આખા પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. વિદાય વેળાએ ગામના વડીલોએ ભાવુક થઈને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.
હવે અમેરિકામાં વસાવશે સંસાર
પરિવારના જણાવ્યા મુજબ, રૂકમણી અને જેફ્તે હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં નોકરી કરે છે અને તેઓ ખાસ લગ્ન માટે ભારત આવ્યા હતા. આગામી અઠવાડિયામાં આ નવદંપતી વિદેશ પરત ફરીને પોતાનું વ્યાવસાયિક જીવન ફરી શરૂ કરશે. આ લગ્ને સંદેશ આપ્યો છે કે વૈશ્વિક શિક્ષણ અને બદલાતા સામાજિક મૂલ્યો વિશ્વને એક પરિવાર (વસુધૈવ કુટુંબકમ) બનાવી રહ્યા છે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
