<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

બંગાળના હેલ્થ સેક્ટરમાં બૂસ્ટર ડોઝ: જેપી નડ્ડા સાથેની બેઠક બાદ મોટી જાહેરાતોનો વરસાદ; રાજ્યમાં આયુષ્માન ભારત કાર્ડ લાગુ થશે અને નવી મેડિકલ કોલેજો તેમજ AIIMS ખોલવાનો પ્રસ્તાવ!

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ ₹૨,૧૦૩ કરોડની મસમોટી ફાળવણી; બંગાળમાં ડૉક્ટરો અને નર્સોની ભારે અછત વચ્ચે કેન્સર સામે રસીકરણ ઝુંબેશનો થશે પ્રારંભ

કોલકાતા : પશ્ચિમ બંગાળના આરોગ્ય ક્ષેત્ર અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને એક ખૂબ જ મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સાથે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ બેઠક બાદ રાજ્યમાં હેલ્થ સેક્ટરના કાયાકલ્પ માટે અનેક ઐતિહાસિક જાહેરાતો કરવામાં આવી છે. આ બેઠક બાદ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે આગામી જુલાઈ મહિનાથી પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી 'આયુષ્માન ભારત યોજના' હેઠળ હેલ્થ કાર્ડનું વિતરણ શરૂ કરી દેવામાં આવશે. આ ખાસ યોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા બંગાળને ₹૯૭૬ કરોડની ફાળવણી પણ મંજૂર કરી દેવામાં આવી છે, જે ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
બંગાળની આરોગ્ય સેવાઓને ફરીથી મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ કુલ ₹૨,૧૦૩ કરોડના ફંડની જોગવાઈ કરી છે, જેમાંથી ₹૫૦૦ કરોડનો પ્રથમ હપ્તો શનિવારે જ જારી કરી દેવાયો છે. બાકીનું ભંડોળ આગામી ૩૦ મે સુધીમાં વર્ષ ૨૦૨૧-૨૨નું યુટિલાઈઝેશન સર્ટિફિકેટ સબમિટ કર્યા બાદ મુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત, રાજ્યની દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા માટે આગામી ૩૦ મેથી રાજ્યવ્યાપી 'સર્વાઇકલ કેન્સર રસીકરણ ઝુંબેશ' શરૂ કરવામાં આવશે. તેમજ લોકોને સસ્તા દરે દવાઓ મળી રહે તે માટે રાજ્યમાં ૪૬૯ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલવાનો પણ મોટો લક્ષ્યાંક નક્કી કરાયો છે.
ચાર જિલ્લામાં નવી મેડિકલ કોલેજો અને ઉત્તર બંગાળમાં AIIMS બનાવવાની તૈયારી
રાજ્યમાં તબીબી શિક્ષણ અને સુવિધાઓના વ્યાપક વિસ્તાર માટે અલીપુરદ્વાર, કાલિમપોંગ, દક્ષિણ દિનાજપુર અને પશ્ચિમ બર્ધમાન ખાતે ચાર નવી સરકારી મેડિકલ કોલેજો શરૂ કરવા માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી દેવાઈ છે. આ સાથે જ ઉત્તર બંગાળના દર્દીઓને ઘરઆંગણે આધુનિક સારવાર મળી રહે તે માટે ત્યાં એક અત્યાધુનિક ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS) ખોલવાનો પ્રસ્તાવ પણ કેન્દ્રને સુપરત કરવામાં આવ્યો છે.
આ મહત્વપૂર્ણ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફની ચાલી રહેલી ગંભીર અછત અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. હાલમાં રાજ્યમાં મંજૂર થયેલા કુલ હોદ્દાઓની સરખામણીએ માત્ર ૫૩ ટકા ડૉક્ટરો અને નર્સો જ કાર્યરત છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પ્રભાવિત થઈ રહી છે. એટલું જ નહીં, બંગાળમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મૃત્યુદર દેશના અન્ય રાજ્યો કરતા ઘણો વધારે નોંધાયો છે, જેમાં કોલકાતા, મુર્શિદાબાદ, પૂર્વ વર્ધમાન, બીરભૂમ અને માલદા જિલ્લાની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આ નવી સંયુક્ત પહેલથી બંગાળની જનતાને આ તમામ સમસ્યાઓમાંથી મોટી રાહત મળવાની આશા સેવાઈ રહી છે.

(8:44 PM IST)