તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 8th May 2026
બંગાળમાં આરજીકર પીડિતાની માતાના ઘર પાસે બોમ્બમારોઃ ૫ ઘાયલ
પશ્ચિમ બંગાળમાં જીતના જશ્ન વચ્ચે હિસાનું નવું તાંડવ

કોલકાતા તા.૮: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ શાંતિ સ્થપાવાને બદલે હિસાની આગ વધુ ભભૂકી રહી છે. ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના પાનિહાટીમાં એક ભયાનક ઘટના સામે આવી છે, જ્યાં આરજી કર હોસ્પિટલના બળાત્કાર અને હત્યા કેસની પીડિતાની માતા રત્ના દેબનાથના ઘરની નજીક જ બોમ્બ વિસ્ફોટ થયો છે. રત્ના દેબનાથ, જેમને ભાજપે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા અને તેમણે તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતાને પરાજય આપ્યો હતો, તેમના ઘર પાસે થયેલા આ હુમલાએ રાજકીય આલમમાં સનસનાટી મચાવી દીધી છે. બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ દત્તા રોડ પર કાર્યકરો અને સામાન્ય લોકો સાથે વાતચીત કરી રહેલા ભાજપના જૂથ પર બોમ્બ ફેંક્યા અને પળવારમાં ગાયબ થઈ ગયા.
આ હુમલામાં ભાજપના ૫ કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે એ જ આરજી કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં આ અગાઉ હૃદયદ્રાવક બળાત્કારની ઘટના બની હતી. ભાજપે આક્ષેપ કર્યો છે કે ચૂંટણીમાં થયેલી હાર પચાવી ન શકતા તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓએ આ કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીના સહાયકની હત્યાના ગણતરીના કલાકોમાં જ બનેલી આ ઘટનાએ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક રહીશોમાં પણ આ વિસ્ફોટ બાદ ફાળ પડી છે અને સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે.
પોલીસ પ્રશાસન દ્વારા હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડવા માટે નાકાબંધી કરવામાં આવી છે. રાજ્યમાં ચૂંટણી બાદ ફાટી નીકળેલી હિસામાં અત્યાર સુધીમાં ૫ લોકોના મોત થયા છે અને ૨૦૦ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમ છતાં પરિસ્થિતિ હજુ કાબૂમાં આવતી દેખાતી નથી. રત્ના દેબનાથની ઐતિહાસિક જીત બાદ તેમના જ વિસ્તારમાં થયેલો આ હુમલો બદલાની રાજનીતિ હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. અત્યારે સમગ્ર પાનિહાટીમાં તણાવપૂર્ણ શાંતિ છે અને લોકોમાં ભયનો માહોલ છે કે આગામી દિવસોમાં આ હિસા કયું નવું સ્વરૂપ ધારણ કરશે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
