News of Thursday, 26th November 2026
BKC પોડ કાર પ્રોજેક્ટ માટે મેન્ગ્રોવ જમીન મામલે બોમ્બે હાઈ કોર્ટની લાલ આંખ: "વૃક્ષારોપણ માત્ર કાગળ પરની ઔપચારિકતા ન હોવી જોઈએ"
મુખ્ય ન્યાયાધીશ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને ન્યાયાધીશ અદ્વૈત સેઠનાની ખંડપીઠે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવા પર મૂક્યો ભાર; MMRDAની 0.2869 હેક્ટર મેન્ગ્રોવ જમીન ઉપયોગની અરજી પર રાજ્ય સરકાર પાસે 5 વર્ષના ગ્રીન કવર અને રોપા ટકવાના દરના આંકડા માંગ્યા, 30 નવેમ્બરે વધુ સુનાવણી

મુંબઈ : મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે સૂચિત એલિવેટેડ 'ઈલેક્ટ્રિક પોડ કાર' પ્રોજેક્ટ માટે 0.2869 હેક્ટર મેન્ગ્રોવ (ચેરના જંગલ) જમીનના ઉપયોગની મંજૂરી માંગતી MMRDAની અરજી પર બોમ્બે હાઈ કોર્ટે મહત્વપૂર્ણ અને કડક અવલોકન કર્યું છે. કોર્ટે વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ દરમિયાન પર્યાવરણને થતા નુકસાન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા ઝડપી શહેરીકરણ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવાની તાકીદ કરી છે.
મુખ્ય ન્યાયાધીશ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને ન્યાયાધીશ અદ્વૈત સેઠનાની ખંડપીઠે સ્પષ્ટ ટકોર કરી હતી કે રાજ્યની સરકારી એજન્સી શહેરી માળખાકીય સુવિધાઓ માટે હરિયાળી સાફ કરતી વખતે વૃક્ષારોપણને માત્ર કાગળ પરની ઔપચારિકતા ગણી શકે નહીં. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા વકીલ સાકેત મોને મારફતે દાખલ અરજીમાં BKC વિસ્તારમાં 8.85 કિમી લાંબી એલિવેટેડ ડ્રાઈવરલેસ 'ઈલેક્ટ્રિક પોડ કાર' (ઓટોમેટેડ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) માટે મેન્ગ્રોવ જમીનના ઉપયોગની પરવાનગી માંગવામાં આવી છે, જે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા મહત્વપૂર્ણ મનાય છે.
સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી હતી કે, "ઇકોસિસ્ટમમાં સંતુલન હોવું જરૂરી છે. વિકાસના નામે આપણે આ તંત્રને ખોરવી રહ્યા છીએ. વિકાસ પણ મહત્વપૂર્ણ છે, પરંતુ તેની સાથે પર્યાવરણના પુનઃસ્થાપનની પ્રક્રિયા પણ ચાલવી જોઈએ. આજે પરવાનગી તો મળી જાય છે, પરંતુ એક વૃક્ષને મોટું થતાં પાંચથી દસ વર્ષનો સમય લાગે છે. અત્યારે આપણે આ તંત્રને વિક્ષેપિત કરી રહ્યા છીએ."
કોઈ પણ આદેશ પસાર કરતા પહેલાં હાઈ કોર્ટે રાજ્ય સરકારને છેલ્લાં પાંચ વર્ષના નક્કર આંકડા રજૂ કરવા નિર્દેશ આપ્યો છે, જેમાં કુલ હરિયાળી (ગ્રીન કવર), થયેલ નુકસાન અને રોપાઓના જીવિત રહેવાના દરની વિગતો સામેલ રહેશે. આ મામલાની વધુ સુનાવણી હવે 30 નવેમ્બર પર મુલતવી રાખવામાં આવી છે.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
