તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
બોમ્બે હાઈકોર્ટની લાલ આંખ: વાયુ પ્રદૂષણ નિયંત્રણમાં નિષ્ફળ રહેવા બદલ BMC, મુંબઈ પોલીસ અને MPCBના વડાઓને ૨૬ ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવા આદેશ
મુંબઈમાં પ્રદૂષણનું સ્તર દિલ્હીને પણ વટાવી ચૂક્યું હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતા સામે હાઈકોર્ટે કડક રૂખ અપનાવ્યો છે, જેમાં અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં સહન કરવામાં નહીં આવે.

મુંબઈ, તા.22: મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં દિન-પ્રતિદિન વધી રહેલા વાયુ પ્રદૂષણના ગંભીર સંકટ અને ફટાકડા ફોડવા પરના પ્રતિબંધોના ખુલ્લેઆમ થઈ રહેલા ઉલ્લંઘન મામલે બોમ્બે હાઈકોર્ટે બ્રિહમમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC), મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (MPCB)ના શીર્ષ વડાઓને આગામી ૨૬ ઓક્ટોબરે કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા માટે તલબ કર્યા છે.
અદાલતે સત્તાવાળાઓની લાપરવાહી અને ઢીલી નીતિ પર ભારે રોષ વ્યક્ત કરતા સખત શબ્દોમાં ટકોર કરી હતી કે જો અધિકારીઓ નિયમોનું પાલન કરાવવામાં અસમર્થ હોય, તો તેઓએ એફિડેવિટ દાખલ કરીને સ્વીકારવું જોઈએ કે તેઓ લાચાર છે, અથવા તેમને નાગરિકોના સ્વાસ્થ્ય અને કોર્ટના આદેશોની કોઈ પડી નથી. હાઈકોર્ટે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ બેદરકારી ચાલુ રહેશે તો સંબંધિત અધિકારીઓ સામે કોર્ટના તિરસ્કારની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
કોર્ટે અગાઉના આદેશોનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે સરકારી તંત્રની કામગીરી અત્યંત ધીમી છે અને તેઓ રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ અંગેની સામાન્ય જાહેર નોટિસો પણ બહાર પાડી શક્યા નથી. અદાલતે BMC અને MPCBને ૨૪ ઓક્ટોબર સુધીમાં અખબારો અને સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યાપક જાહેર નોટિસો પ્રસિદ્ધ કરવાના આદેશ આપ્યા છે, જેમાં ફટાકડાના ધુમાડા અને અવાજથી થતા જોખમો વિશે પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે.
આ સાથે જ, પોલીસ પ્રશાસનની ભૂમિકા પર સવાલ ઉઠાવતા હાઈકોર્ટે કહ્યું કે વ્યસ્ત રસ્તાઓ પર બેરોકટોક ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે અને સરઘસો નીકળી રહ્યા છે, જે દર્શાવે છે કે જમીની સ્તરે પોલીસ અધિકારીઓને કાયદાકીય આદેશોની પૂરતી જાણકારી જ નથી. કોર્ટે પોલીસ કમિશનરને તમામ પોલીસ સ્ટેશનના પ્રભારીઓને આદેશોનું ચુસ્તપણે પાલન કરાવવા અને તે અંગેનું સોગંદનામું રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
મુંબઈમાં ફેલાયેલા ભારે ધુમ્મસ અને નબળી દૃશ્યતાના અહેવાલો વચ્ચે પ્રદૂષણનું સ્તર દિલ્હી કરતા પણ આગળ નીકળી ગયું હોવાની ગંભીર નોંધ અદાલતે લીધી છે. કોર્ટે બાંધકામ સંબંધિત પ્રદૂષણ અને ગેરકાયદેસર કચરાના ડમ્પિંગ સામે પણ અસરકારક કાર્યવાહીના અભાવ પર આકરા પ્રહાર કર્યા છે.
આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જવાબદાર અધિકારીઓ સામે કાનૂની શિકંજો વધુ કસાઈ શકે છે, જેને લઈને પ્રશાસનમાં પણ દોડધામ મચી ગઈ છે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
