<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પર કોર્ટના દસ્તાવેજો અપલોડ કરતાં બોમ્બે હાઈકોર્ટ લાલઘૂમ: આપાઈ આકરી ચેતવણી!

EDનું સોગંદનામું સાર્વજનિક કરવા બદલ ન્યાયાધીશે ફટકાર લગાવી : જાહેર રસ્તાઓ પર ફટાકડા, ડીજે અને લેસર બીમ પર સંપૂર્ણ પ્રતિબંધનો હાઈકોર્ટનો મહત્વનો આદેશ

મુંબઈ:  બેંક લોન ફ્રોડ અને મની લોન્ડરિંગના આરોપી પલાયનવાદી ઉદ્યોગપતિ વિજય માલ્યાને બોમ્બે હાઈકોર્ટે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. અદાલતમાં કેસ પેન્ડિંગ હોવા છતાં EDના સત્તાવાર સોગંદનામાને સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ હાઈકોર્ટે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ મિલિંદ જાધવે માલ્યાના વરિષ્ઠ વકીલ અમિત દેસાઈને આદેશ આપ્યો હતો કે તેઓ પોતાના ક્લાયન્ટને ભવિષ્યમાં આવા ગેરવર્તનથી દૂર રહેવાની સ્પષ્ટ સૂચના આપે.


EDના વકીલ આશિષ મહેતાએ હાઈકોર્ટના ધ્યાને મૂક્યું હતું કે, માલ્યાએ ૨૦૨૦માં પોતાની સામેના ફોજદારી કેસો બંધ કરવા માટે અરજી કરી હતી, જેના જવાબમાં EDએ ૮ સપ્ટેમ્બરે કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું. આ સોગંદનામું માલ્યાની લીગલ ટીમને પણ સોંપવામાં આવ્યું હતું. પરંતુ કેસની સુનાવણી ૯ સપ્ટેમ્બરે થાય તે પહેલાં જ ૮ સપ્ટેમ્બરની સાંજે માલ્યાએ આ દસ્તાવેજ સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો.

કોર્ટે આ આચરણને અત્યંત ગંભીર ગણાવતાં કહ્યું કે આ પ્રકારનું વર્તન અદાલતની ગરિમા અને પ્રભાવને ઓછો કરે છે. EDએ કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે બેંકોને રૂ. ૧૪,૧૩૧.૬ કરોડની સંપત્તિ સરેન્ડર કરવામાં આવી હોવા છતાં, માત્ર સંપત્તિ વસૂલ થવાથી માલ્યા સામેના મની લોન્ડરિંગના ગંભીર આરોપો નાબૂદ થતા નથી. હાઈકોર્ટે હવે આ મામલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને જવાબ દાખલ કરવા આદેશ આપી સુનાવણી ૧૩ ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે.


બીજા એક મહત્વના નિર્ણયમાં, બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને નીલા ગોખલેની બેન્ચે ધાર્મિક સરઘસો દરમિયાન જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા તેમજ લાઉડસ્પીકર, ડીજે અને લેસર બીમના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. ગણેશ ઉત્સવ દરમિયાન થતા ભારે ઘોંઘાટ અને વાયુ પ્રદૂષણ અંગે કોર્ટે સુઓ મોટો (સ્વયં સંજ્ઞાન) લેતાં આ કડક વલણ અપનાવ્યું હતું.

 મહારાષ્ટ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે મુંબઈ પોલીસે ૨૬ સપ્ટેમ્બર સુધી પાંચથી વધુ લોકોના એકઠા થવા તથા ફટાકડા-ડીજે પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે આ આદેશો માત્ર કાગળ પર જ રહે છે અને અમલવારી થતી નથી.

 હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે તહેવારો અવાજ અને પ્રદૂષણ વિના પણ ઉજવી શકાય છે. ન્યાયાધીશોએ તમામ સત્તામંડળોને ધ્વનિનું ડેસિબલ લેવલ માપીને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તાત્કાલિક અને કડક કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

(9:44 PM IST)