તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Friday, 31st July 2026
બોમ્બે હાઈકોર્ટના પક્ષપાતી વલણ બદલ FDA ને આકરા ચાબખા: "કાયદાથી ઉપર કોઈ નથી, મંત્રાલયની કેન્ટીન હોય કે ખાનગી હોટેલ - નિયમો બધા માટે સમાન!"
મંત્રાલય કેન્ટીનને 98% સ્વચ્છતા આપતો રિપોર્ટ કોર્ટે ગણાવ્યો 'અવિશ્વસનીય'; વકીલોની પેનલે તપાસ કરતા રસોડામાં વંદો, માખીઓ અને ગટરની ગંદકી ખુલ્લી પડી!

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ને સરકારી મંત્રાલય કેન્ટીનો અને ખાનગી રેસ્ટોરન્ટ્સ વચ્ચે ખાદ્ય સુરક્ષાના નિયમોના અમલીકરણમાં "બેવડા ધોરણો" અને પક્ષપાતી વલણ અપનાવવા બદલ ભારે ઝાટકણી કાઢી છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું કે, "કાયદાથી ઉપર કોઈ નથી. કાં તો મંત્રાલયની કેન્ટીનનું લાઈસન્સ સસ્પેન્ડ કરો અથવા ખાનગી રેસ્ટોરન્ટ્સનું લાઈસન્સ પુનઃસ્થાપિત કરો. અમને કાયદાનું સમાન અમલીકરણ જોઈએ છે."
દક્ષિણ મુંબઈની 'પૂર્ણિમા રેસ્ટોરન્ટ' સહિત અન્ય ખાણીપીણીની દુકાનોના લાઈસન્સ સસ્પેન્ડ કરવાના FDA ના નિર્ણય સામે દાખલ અરજીની સુનાવણી દરમિયાન આ મામલો સામે આવ્યો હતો. FDA એ મંત્રાલયની ત્રણ કેન્ટીનોને 98 ટકા સ્વચ્છતાનું રેટિંગ આપ્યું હતું. આ દાવાની સત્યતા ચકાસવા માટે હાઈકોર્ટે ચાર વકીલોની એક પેનલ બનાવીને મંત્રાલય કેન્ટીનનું સરપ્રાઈઝ ઈન્સ્પેક્શન કરાવ્યું હતું. વકીલોની પેનલે બપોરે કોર્ટ સમક્ષ ફોટોગ્રાફ્સ અને વીડિયો સાથેનો અહેવાલ રજૂ કર્યો, જેમાં ખુલ્લી ગટરો, તૂટેલી પાઈપો, અસ્વચ્છ રસોડું અને વંદો તથા માખીઓની હાજરી ખુલ્લી પડી ગઈ હતી.
કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણીઓ અને નિર્દેશો:
· સુધારણા નોટિસનો આદેશ: FDA એ ખાનગી રેસ્ટોરન્ટ્સનું સસ્પેન્શન રદ કરીને તથા મંત્રાલય કેન્ટીનોને પણ 4 ઓગસ્ટ સુધી ખામીઓ સુધારવા માટે સમાન 'સુધારણા નોટિસ' આપવા સંમતિ દર્શાવી.
· તપાસના આદેશ: FDA કમિશનર તુકારામ મુંધેને મંત્રાલય કેન્ટીનના ખોટા અને અવિશ્વસનીય નિરીક્ષણ અહેવાલો તૈયાર કરનાર અધિકારીઓ સામે કડક તપાસ કરી પગલાં લેવા નિર્દેશ.
· કોર્ટનું અવલોકન: "તમે પહેલા ગોળીબાર કરો છો અને પછી પ્રશ્નો પૂછો છો. સંસ્થાઓને સુધરવાનો સમય આપો. દવા રોગ કરતાં વધુ ખરાબ ન હોવી જોઈએ."
કોર્ટે તમામ સંસ્થાઓને ખામીઓ સુધારવા માટે 4 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે અને 5 ઓગસ્ટે નવેસરથી નિરીક્ષણ કરીને 6 ઓગસ્ટે રિપોર્ટ રજૂ કરવા જણાવ્યુ છે. કોર્ટે FDA ની કામગીરીની પ્રશંસા સાથે ચેતવણી આપી હતી કે ખાદ્ય સુરક્ષાના કાયદા સરકારી સંસ્થા હોય કે ખાનગી, દરેક માટે એકસમાન રીતે લાગુ થવા જોઈએ.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
