તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
પાલઘર હોસ્પિટલ તોડફોડ કાંડમાં બોમ્બે હાઈકોર્ટ લાલઘૂમ: પોલીસની કથિત નિષ્ક્રિયતા સામે એસપીને સમન્સ, સંપૂર્ણ રેકોર્ડ સાથે હાજર થવા આદેશ
દહીં હાંડીમાં ઘાયલ ગોવિંદાઓની સારવાર દરમિયાન શિવસેનાના કાર્યકર્તાઓનો હંગામો: ડોક્ટરો પર હુમલો અને અત્યાચાર વિરોધી કાયદા હેઠળ કેસ દાખલ કરવા દબાણનો ગંભીર આરોપ

મુંબઈ : પાલઘરની રિલીફ હોસ્પિટલમાં શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલી તોડફોડ, ડોક્ટરો સાથે ધાકધમકી અને કથિત હુમલાના કેસમાં બોમ્બે હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પોલીસ તપાસમાં જોવા મળેલી ઢીલાશ અને નિષ્ક્રિયતા પર ભારે ચિંતા વ્યક્ત કરતાં હાઈકોર્ટના જસ્ટિસ અજય ગડકરી અને કમલ ખાતાની બેન્ચે પાલઘરના પોલીસ અધિક્ષક (SP) ને બુધવારે તમામ કેસ પેપર્સ અને સંપૂર્ણ રેકોર્ડ સાથે વ્યક્તિગત રીતે કોર્ટ સમક્ષ હાજર થવા માટે ફરમાન જારી કર્યું છે.
આ ચર્ચાસ્પદ ઘટના ૫ સપ્ટેમ્બરના રોજ ઘટી હતી, જ્યારે દહીં હાંડીની ઉજવણી દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા ૫ ગોવિંદાઓને સારવાર અર્થે પાલઘરની રિલીફ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પૈકી ૩ ગોવિંદાઓ આઈસીયુ (ICU) માં હતા અને ડોક્ટરોએ તેમને સીટી સ્કેન કરાવવાની સલાહ આપી હતી. આ દરમિયાન શિવસેનાના સંખ્યાબંધ કાર્યકર્તાઓએ હોસ્પિટલ પરિસરમાં બળજબરીથી ઘૂસીને ભારે તોડફોડ કરી હતી, ડોક્ટરો તથા સ્ટાફ સાથે ગાળાગાળી કરી હુમલો કર્યો હતો અને ઘાયલ ગોવિંદાઓને સારવાર પૂર્ણ થયા વગર જ બળજબરીથી પોતાની સાથે લઈ ગયા હતા.
ડોક્ટરો સામે એટ્રોસિટીનો કેસ નોંધવા દબાણ અને પોલીસની ઢીલી નીતિ
કોર્ટના મિત્ર (એમિકસ ક્યુરી) તરીકે નિયુક્ત થયેલા વરિષ્ઠ વકીલ અશોક મુંદરગીએ હાઈકોર્ટનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, આ ઘટના બાદ પોલીસ પર જ ડોક્ટરો સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ નોંધવા માટે ભારે રાજકીય દબાણ લાવવામાં આવ્યું હતું, જે અત્યંત ગંભીર અને ચિંતાજનક બાબત છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) તરફથી હાજર રહેલા વકીલે પણ રજૂઆત કરી હતી કે એફઆઈઆર નોંધાયા છતાં પોલીસે હજુ સુધી તપાસમાં કોઈ નક્કર કે ગંભીર પગલાં લીધાં નથી.
૧૭ લોકો સામે FIR, હાઈકોર્ટમાં આજે મહત્વની સુનાવણી
આ ઘટના અંગે પોલીસે કુલ ૧૭ લોકો સામે નામજોગ એફઆઈઆર દાખલ કરી છે, જેમાં શિવસેનાના જિલ્લા વડા કુંદન સાંખે, શહેર વડા રાહુલ ઘરત અને ધારાસભ્ય રાજેન્દ્ર ગાવિતના પુત્ર રોહિત ગાવિત જેવા વગદાર નેતાઓનો સમાવેશ થાય છે. પોલીસે સોમવારે રાહુલ ઘરતની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં તેને એક દિવસની કસ્ટડી મંજૂર કરવામાં આવી હતી. સરકાર પક્ષ તરફથી સંતોષકારક જવાબ ન મળતાં બોમ્બે હાઈકોર્ટે એસપીને સીધા જ સમન્સ પાઠવ્યા છે. આ ચર્ચાસ્પદ મામલાની વધુ સુનાવણી બુધવારે હાથ ધરવામાં આવશે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
