તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
બોમ્બે હાઈકોર્ટે નવી મુંબઈની હોટેલનું સસ્પેન્શન રદ કર્યું: ૧૦૦% નિયમ પાલન છતાં વિલંબ કરવા બદલ FDA ની આકરા શબ્દોમાં ઝાટકણી, દંડ ફટકારવા કોર્ટનો વિચાર
નવી મુંબઈની બાર અને રેસ્ટોરન્ટ સંપૂર્ણપણે કાયદાકીય માપદંડો પર ખરી ઊતરી હોવા છતાં લાઈસન્સ ચાલુ ન કરાતાં હાઈકોર્ટ લાલઘૂમ: "વેપારીના દૈનિક આર્થિક નુકસાનની ભરપાઈ કોણ કરશે?"

મુંબઈ : ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર (FDA) દ્વારા કરવામાં આવતી એકતરફી અને પક્ષપાતી કાર્યવાહી સામે સોમવારે બોમ્બે હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. પુનઃનિરીક્ષણ દરમિયાન ખાદ્ય સુરક્ષાના ધોરણોનું ૧૦૦ ટકા પાલન કરતી હોવાનું પ્રમાણિત થયા પછી પણ નવી મુંબઈની એક બાર અને રેસ્ટોરન્ટનું સસ્પેન્શન આદેશ રદ ન કરવા બદલ કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચે FDA અધિકારીઓની ભારે ઝાટકણી કાઢી હતી.
સમગ્ર વિગત મુજબ, નવી મુંબઈના બેલાપુરમાં આવેલી 'હોટેલ પવન બાર અને રેસ્ટોરન્ટ'માં ૨૯ જૂને નિરીક્ષણ દરમિયાન ૬૩% પાલન જણાયા બાદ ૩૦ જૂને લાઈસન્સ રદ કરવામાં આવ્યું હતું. રેસ્ટોરન્ટ માલિકે નિયમ મુજબ ખામીઓ સુધારી અપીલ કરતા કરવામાં આવેલા બીજા ચેકિંગમાં ૧૦૦% પાલન થતું હોવાનું સામે આવ્યું હતું. આમ છતાં, કાનૂની અપીલનો નિકાલ કર્યા વગર અપીલ મુલતવી રખાતા માલિકે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
હાઈકોર્ટે આ કેસની ગંભીર નોંધ લેતાં સસ્પેન્શન ઓર્ડર તાત્કાલિક અસરથી રદ કર્યો હતો અને સવાલ ઉઠાવ્યો હતો કે, "જ્યારે અરજદાર ૧૦૦% નિયમોનું પાલન કરે છે, તો પછી તેનું લાઈસન્સ બંધ રાખીને દરરોજ થતા આર્થિક નુકસાનનો જવાબદાર કોણ?" કોર્ટે વિભાગ પર ભારે દંડ (કોસ્ટ) ફટકારવાના સંકેત આપતા અરજદારને ૧૪ જુલાઈથી પરિસર બંધ રહેવાથી થયેલા નાણાકીય નુકસાનનું સોગંદનામું રજૂ કરવા આદેશ આપ્યો છે.
આ સિવાય, મંત્રાલયની સરકારી કેન્ટીનમાં અસ્વચ્છતા, વાંદા-માખીઓ અને ખુલ્લી ગટર હોવા છતાં તેને ૯૩% પાલન આપવા બદલ પણ હાઈકોર્ટે FDA ની બેવડી નીતિનો પર્દાફાશ કર્યો હતો. કોર્ટે મંત્રાલયની કેન્ટીનને નોટિસ આપવા નિર્દેશ આપ્યો છે અને વધુ સુનાવણી ૫ ઓગસ્ટ પર મુલતવી રાખી છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
