News of Wednesday, 22nd April 2026
GST વિભાગની મનમાની પર બોમ્બે હાઈકોર્ટનો હથોડો: “એક વર્ષ પછી ITC બ્લોક રાખવી ગેરકાયદેસર”, વેપારીઓના પક્ષમાં કોર્ટનો ઐતિહાસિક ફેંસલો
ઈનપુટ ટેક્સ ક્રેડિટ ફ્રીઝ કરવાના નામે વેપાર ઠપ્પ ન કરી શકાય: કોર્ટે નિયમ 86A(3)નું કર્યું કડક અર્થઘટન, કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સુનાવણી વિનાની કાર્યવાહીને ગણાવી મનસ્વી

મુંબઈ: દેશના ટેક્સ કાયદાઓમાં અધિકારીઓની જોહુકમી સામે બોમ્બે હાઈકોર્ટે વેપારી આલમ માટે એક ખૂબ જ મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે પુનરોચ્ચાર કર્યો છે કે, GST વિભાગ કોઈ પણ સંજોગોમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ને લાદવાની તારીખથી એક વર્ષથી વધુ સમય માટે બ્લોક રાખી શકે નહીં. જસ્ટિસ જી.એસ. કુલકર્ણી અને જસ્ટિસ આરતી સાઠેની બેન્ચે સ્પષ્ટ કર્યું કે કાયદો એક વર્ષ પછી ક્રેડિટને ‘આપોઆપ’ અનબ્લોક કરવાની જોગવાઈ કરે છે.
શું હતો સમગ્ર મામલો?
એલીકોન ઇન્ટરનેશનલ લિમિટેડ નામની કંપનીની ITC માર્ચ ૨૦૨૫માં બ્લોક કરવામાં આવી હતી અને ફેબ્રુઆરી ૨૦૨૫માં તેમના બેંક ખાતા પણ કામચલાઉ રીતે જોડી દેવામાં આવ્યા હતા. કંપનીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવતા દલીલ કરી હતી કે CGST નિયમોના નિયમ ૮૬A(૩) મુજબ, કોઈ પણ પ્રતિબંધ એક વર્ષથી વધુ સમય સુધી ચાલુ રહી શકે નહીં. કંપનીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમને કોઈ પણ નોટિસ આપ્યા કે સાંભળ્યા વગર જ આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
કોર્ટની આકરી ટિપ્પણી: “આપોઆપ અનબ્લોક થવું જોઈએ”
હાઈકોર્ટે રેકોર્ડનો અભ્યાસ કર્યા બાદ જણાવ્યું કે, નિયમ ૮૬A(૩) ની ભાષા એકદમ સ્પષ્ટ છે. એક વર્ષનો સમયગાળો પૂરો થાય એટલે ITC પરનો પ્રતિબંધ અમલમાં રહેતો નથી. કોર્ટે કહ્યું, “અમે વાસ્તવિકતા જોઈ રહ્યા છીએ કે ITC બ્લોક કરવાથી વેપારીના વ્યવસાય પર પ્રતિકૂળ અસર પડે છે. આ એક ગંભીર નાગરિક પરિણામ છે, તેથી કોઈ પણ વેપારીને સાંભળ્યા વિના આવી કાર્યવાહી કરવી એ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે.”
સરકારની દલીલો ફગાવી
સરકારી વકીલોએ દલીલ કરી હતી કે ટેક્સની ચોરી કે કપટથી મેળવેલી ક્રેડિટને રોકવા માટે આ કાર્યવાહી જરૂરી હતી. જોકે, કોર્ટે આ દલીલને સ્વીકારવા છતાં ભારપૂર્વક કહ્યું કે, ગમે તેવા કારણો હોય તો પણ કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલી એક વર્ષની સમયમર્યાદા ઓળંગી શકાય નહીં. કોર્ટે બેંક ખાતા ફ્રીઝ કરવાના આદેશોને પણ રદ કર્યા છે અને તાત્કાલિક અસરથી લેજર અનબ્લોક કરવાનો આદેશ આપ્યો છે.
વેપારીઓ માટે સંદેશ
આ ચુકાદાથી એવા હજારો વેપારીઓને રાહત મળશે જેમના કરોડો રૂપિયાના ટેક્સ રિફંડ કે ક્રેડિટ GST વિભાગ દ્વારા વર્ષો સુધી બ્લોક કરી દેવામાં આવે છે. હવે વેપારીઓ એક વર્ષની મુદત બાદ કાયદેસર રીતે પોતાની ક્રેડિટ પાછી મેળવવા હકદાર બનશે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
