News of Thursday, 1st October 2026
સુનાવણી વિના મતદારોના નામ રદ કરવા સામે બોમ્બે હાઈકોર્ટ લાલઘૂમ: સોફ્ટવેર કાયદાકીય જોગવાઈઓનું સ્થાન ન લઈ શકે
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળની ડ્રાફ્ટ મતદાર યાદી નામ રદ કરવાનો આધાર બની શકે નહીં, સોફ્ટવેરની ખામીના કારણે નાગરિકોના મતાધિકાર છીનવાઈ જવા અંગે કોર્ટે વ્યક્ત કરી ગંભીર ચિંતા

પણજી, તા.૦૧: બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે મતદાર યાદીમાંથી નાગરિકોના નામ રદ કરવાના મુદ્દે ભારતના ચૂંટણી પંચ (ECI) ની કાર્યવાહી સામે ભારે નારાજગી વ્યક્ત કરતા ચુકાદો આપ્યો છે કે 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) હેઠળ તૈયાર કરાયેલી મુસદ્દા મતદાર યાદી (ડ્રાફ્ટ રોલ) ના આધારે કોઈ પણ વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી રદ કરી શકાય નહીં. ન્યાયમૂર્તિ અમિત એસ. જામસાંદેકર અને ન્યાયમૂર્તિ વાલ્મિકી મેનેઝિસની ડિવિઝન બેન્ચે સ્પષ્ટ અવલોકન કર્યું હતું કે વહીવટી સોફ્ટવેર સિસ્ટમ્સ ક્યારેય કાયદાકીય જોગવાઈઓથી ઉપર હોઈ શકે નહીં.
આ મહત્વપૂર્ણ મામલો સાન્તાક્રુઝ વિધાનસભા મતવિસ્તારના અરજદાર પરેશ સાલગાંવકર અને તેમના પરિવારના છ સભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પરથી સામે આવ્યો હતો. અરજદારોએ તે જ મતવિસ્તારમાં નવું ઘર બદલ્યું હોવાથી સરનામું અપડેટ કરવા માટે નિયમ મુજબ 'ફોર્મ ૮' સબમિટ કર્યું હતું. પરંતુ ચૂંટણી પંચના ERONET સોફ્ટવેરમાં તેમના 'ઇલેક્ટર્સ ફોટો આઇડેન્ટિટી કાર્ડ' (EPIC) નો કોઈ રેકોર્ડ દર્શાવાતો ન હોવાથી સિસ્ટમે તેમની અરજીઓ અસ્વીકાર કરી દીધી હતી અને અધિકારીઓએ તેમને 'ફોર્મ ૬' ભરીને નવા મતદાર તરીકે નોંધણી કરાવવા મજબૂર કર્યા હતા.
હાઈકોર્ટે ચૂંટણી પંચની આ કાર્યવાહી સામે સખત વલણ અપનાવતા પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કોઈ પણ સુનાવણી કે નોટિસ આપ્યા વિના મતદારોના નામ રદ કરવાની સત્તા પંચને ક્યાંથી મળે છે. ન્યાયાધીશોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, "અમને કાયદાની જોગવાઈ બતાવો. તમારા અધિકારીઓ લાચાર બનીને બધો ભાર સિસ્ટમ અને સોફ્ટવેર પર નાખી રહ્યા છે. સિસ્ટમે અરજી નકારી દીધી તેવું કહીને આદેશ કરી દેવો અત્યંત ચિંતાજનક છે. જે વ્યક્તિ પહેલેથી જ નોંધાયેલો મતદાર છે, તેને તમારી સિસ્ટમ અચાનક 'નવો મતદાર' કેવી રીતે બનાવી શકે?"
અદાલતે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે મતદાર યાદીમાં ફોર્મ ૬, ૭ અને ૮ ખાસ હેતુ માટે બનાવવામાં આવ્યા છે, જ્યાં ફોર્મ ૮ સરનામાના બદલાવ માટે હોય છે. જો માત્ર સોફ્ટવેરના આધારે જ નિર્ણયો લેવાના હોય તો આ ફોર્મ્સનો કોઈ અર્થ રહેતો નથી. અદાલતે પંચને ટકોર કરી હતી કે જ્યારે સરનામું બદલવા માટે ફોર્મ ૮ મળે ત્યારે સત્તાધિકારીઓએ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને સ્થળ તપાસ કરવી જોઈએ, નહીં કે સોફ્ટવેરની ખામીને કારણે અરજીઓ ફગાવી દેવી.
અદાલતે આ વ્યવસ્થા સામે ગંભીર ચેતવણી આપતા કહ્યું કે આવા પગલાંથી દેશના લાખો નાગરિકો પોતાના લોકતાંત્રિક મતાધિકારથી વંચિત થઈ જશે. ન્યાયપીઠે આશંકા વ્યક્ત કરી હતી કે અહીં તો માત્ર એક જ પરિવાર અદાલત સુધી પહોંચ્યો છે, પરંતુ દેશભરમાં એવા કેટલાય લોકો હશે જેઓ સિસ્ટમની આ ભૂલનો ભોગ બન્યા હશે અને કોર્ટ સુધી પહોંચી શક્યા નથી.
ઉલ્લેખનીય છે કે ERONET એ ચૂંટણી પંચ દ્વારા વેબ-આધારિત મતદાર યાદી વ્યવસ્થાપન માટે વિકસાવવામાં આવેલી સિસ્ટમ છે. આ કેસ બાદ હવે ચૂંટણી પંચે પોતાની ડિજિટલ પ્રણાલી અને નિયમોમાં સુધારો કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે, જેથી સામાન્ય નાગરિકોને પોતાના સરનામાના સુધારા વખતે મતાધિકાર ગુમાવવાનો વારો ન આવે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
