<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

મુંબઈ ફરી બોમ્‍બની ધમકીનો ઈ-મેઇલઃ બચ્‍ચનના જલસાનો પણ ઉલ્‍લેખ

મહાલક્ષ્મી રેસકોર્સ, મહાલક્ષ્મી મેટ્રો સ્‍ટેશન અને સાયન્‍સ આચાર્ય મેટ્રો સ્‍ટેશન પર બોમ્‍બ મૂક્‍યાનો પણ દાવોઃ ઈમેલને પગલે પોલીસતંત્ર પણ સાબદુ

મુંબઈ તા.૨૬: મુંબઈનાં મેયર રિતુ તાવડે અને બૃહન્‍મુંબઈ મહાનગરપાલિકાનાં કમિશનર અશ્વિની ભીડે સહિત મુંબઈનાં અનેક ઠેકાણાંઓને બોમ્‍બની ધમકી મળવાનો સિલસિલો ચાલુ જ છે. હવે ફરી એકવાર બોમ્‍બની ધમકીનો ઈ-મેલ મળતાં જ ખળભળાટ મચી ગયો છે. આ ઈ-મેલને પગલે પોલીસતંત્ર પણ સાબદું થઈ ગયું છે. તાજેતરમાં મળેલા આ ઈ-મેલમાં જાહેર સ્‍થળોની સાથે અમિતાભ બચ્‍ચનના નિવાસસ્‍થાન ‘જલસા‘ અને પંજાબી ગાયક-અભિનેતા દિલજિત દોસાંઝના કોન્‍સર્ટનો પણ ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે.

રિપોર્ટ્‍સ અનુસાર આજે સવારે ૧૦.૧૨ કલાકે મુંબઈની પાલિકાના સત્તાવાર ઈ-મેલ આઈડી, મુંબઈનાં મેયર રિતુ તાવડે અને બીએમસીનાં કમિશનર અશ્વિની ભીડેને આ ધમકીભર્યો ઈ-મેલ મળ્‍યો હતો. આ ધમકીભર્યા ઈ-મેલમાં જણાવાયું છે કે મુંબઈ પાલિકાના હેડ-ક્‍વાર્ટરને અને મેયર ઓફિસને બોમ્‍બથી ઉડાવી દેવામાં આવશે. ઉપરાંત મુંબઈનાં કેટલાંક ભીડભાડવાળાં સ્‍થળોને પણ ટાર્ગેટ કરવામાં આવ્‍યાં છે. ઈ-મેલ મોકલનારે અમિતાભ બચ્‍ચનના ‘જલસા‘ બંગલાને સુદ્ધાં ઉડાવી દેવાની ધમકી આપી છે. તે સિવાય મહાલક્ષ્મી રેસકોર્સ, મહાલક્ષ્મી મેટ્રો સ્‍ટેશન અને સાયન્‍સ આચાર્ય મેટ્રો સ્‍ટેશન પર બોમ્‍બ મૂક્‍યાનો પણ દાવો કરવામાં આવ્‍યો છે. પંજાબી સુપરસ્‍ટાર દિલજિત દોસાંઝના મુંબઈ ખાતે યોજાનાર કોન્‍સર્ટના દિવસે પણ બોમ્‍બ-અટેક કરવામાં આવશે એવો ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે.પ્રાપ્ત અહેવાલો અનુસાર આ ધમકીભર્યા ઈ-મેલમાં ખાલિસ્‍તાની અલગતાવાદી નારાઓનો ઉલ્‍લેખ પણ કરવામાં આવ્‍યો છે. ખાલિસ્‍તાન નેશનલ આર્મી અને બબ્‍બર ખાલસા જેવાં પ્રતિબંધિત સંગઠનોના નામનો ઉલ્‍લેખ કરીને મુંબઈમાં ગ્રેનેડ હુમલા કરવાની અને પબ્‍લિક ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરને પણ નુકસાન પહોંચાડવાની ધમકી (Bomb Threat) અપાઈ છે.જોકે ધમકીભર્યા ઈ-મેલ મળ્‍યાની આ ઘટના નવી તો નથી જ. ગત ચાર મહિનાની જ વાત કરીએ તો મુંબઈ નગરપાલિકાને આ પ્રકારે પાંચમી વખત ધમકીભર્યો ઈ-મેલ મળ્‍યો છે. સતત મળી રહેલી આ ધમકીઓને પગલે મુંબઈ પોલીસ, બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍ક્‍વોડ અને સુરક્ષા એજન્‍સીઓ હાઈ અલર્ટ પર આવી ગઈ છે. કોઈપણ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે સાયબર સેલ અને પોલીસ દ્વારા બારીકાઈથી તપાસ (Bomb Threat) શરૂ કરી દેવામાં આવી છે.

(3:37 PM IST)