<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ચોથી પાસ ઠગનો બોલિવૂડ સ્ટાઈલ ખેલ: સલીમ ખાનથી લઈને ઉદ્યોગપતિઓ સુધી સૌને પિત્તળ પધરાવ્યું!

સોનાની ચેન અને વીંટીઓના શોખીન સોલંકી પ્રભુએ પિત્તળના સિક્કાને સોનું ગણાવી કરોડો ખંખેર્યા : 4 લગ્ન કર્યા, ગુજરાતી ફિલ્મ બનાવી અને હાઇવે પર હોટેલ ખરીદી : સામાન્ય દેખાતા મજૂરના વેશમાં આચરતો હતો ભયાનક છેતરપિંડી

ગુરુગ્રામ :  ગુરુગ્રામ પોલીસે પર્દાફાશ કરેલી આ ગેંગનો લીડર સોલંકી પ્રભુ માત્ર ચોથું ધોરણ પાસ છે, પરંતુ તેની ઠગાઈ કરવાની પદ્ધતિ કોઈ પ્રોફેશનલ ગુનેગારને પણ હંફાવે તેવી છે. સોલંકી અને તેની ગેંગ હાઇવે પર ગરીબ મજૂરનો વેશ ધારણ કરીને ફરતા હતા અને એકલ-દોકલ ઉદ્યોગપતિઓને નિશાન બનાવતા હતા. તેમની 'મોડસ ઓપરેન્ડી' ખૂબ જ સિમ્પલ છતાં અસરકારક હતી – તેઓ શિકારને એવું કહેતા કે જેસીબીથી ખોદકામ દરમિયાન તેમને સોનાના સિક્કા ભરેલી બેગ મળી છે, જેને તેઓ પોલીસના ડરથી બજારમાં વેચી શકતા નથી. વિશ્વાસ જીતવા માટે તેઓ શરૂઆતમાં અસલી સોનાનો સિક્કો તપાસવા આપતા, અને જ્યારે શિકાર લોભમાં આવીને કરોડોનો સોદો કરે, ત્યારે તેને પિત્તળના સિક્કા પધરાવી રફુચક્કર થઈ જતા.

 

આ ભેજાબાજ ઠગનો આત્મવિશ્વાસ એટલો બુલંદ હતો કે તેણે બોલિવૂડની મોટી હસ્તીઓને પણ છોડી ન હતી. તપાસમાં બહાર આવ્યું છે કે ૧૫ વર્ષ પહેલાં તેણે સલમાન ખાનના પિતા અને જાણીતા લેખક સલીમ ખાન સાથે ૨૦ લાખ રૂપિયા અને અભિનેતા આદિત્ય પંચોલી સાથે ૨૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આટલું જ નહીં, તેને ફિલ્મો અને રાજકારણનો પણ જબરદસ્ત શોખ છે. તેણે 'લવ યુ' નામની એક ગુજરાતી ફિલ્મ પણ બનાવી હતી અને છેતરપિંડીના પૈસામાંથી દિલ્હી-મુંબઈ હાઈવે પર એક આલીશાન હોટેલ પણ ખરીદી હતી. તેના ચાર લગ્ન અને મોજશોખની લાઈફસ્ટાઈલ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે, કારણ કે તેની પાસેથી અડધો કિલો જેટલું સોનું તો તેના શરીર પરથી જ મળી આવ્યું છે.

 

સોલંકીની ઠગાઈનો લેટેસ્ટ શિકાર ગુરુગ્રામનો એક ઉદ્યોગપતિ બન્યો, જેણે સસ્તા સોનાની લાલચમાં પોતાનું ઘર ગીરો મૂકી દીધું અને અઢી કરોડ રૂપિયાની રોકડ તેમજ માતાના ૫૦ તોલા દાગીના ઠગ ટોળકીને સોંપી દીધા. જ્યારે તેને ખબર પડી કે તેને મળેલા ૧૦ કિલો સિક્કા સોનું નહીં પણ પિત્તળ છે, ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સેક્ટર-૪૩ ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ પુરાવા અને જીઓ-ફેન્સિંગની મદદથી તપાસ હાથ ધરી વડોદરા અને દિલ્હીથી ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે. ૨૫ વર્ષથી આ કાળો કારોબાર ચલાવતો સોલંકી પ્રભુ હવે જેલના સળિયા પાછળ છે, પરંતુ તેની આ વાર્તા એ યાદ અપાવે છે કે અતિ લોભ હંમેશા પાપનું મૂળ હોય છે.

(7:38 PM IST)