તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી સુકેશ ચંદ્રશેખર ૨૦૦ કરોડ ખંડણી કેસમાં દિલ્હી કોર્ટ સમક્ષ સાક્ષી તરીકે હાજર: ચેન્નાઈ ઇવેન્ટ અને ભેટ-સોગાદો અંગે કર્યો મોટો ખુલાસો
સુકેશની પત્ની લીના પોલોસે ૨૦૨૦માં ચેન્નાઈના કાર્યક્રમ માટે બુક કર્યાનું નોરાનું નિવેદન, કોર્ટે અગાઉ હાજરી ન આપવા બદલ ફટકાર લગાવી ૩૦ નવેમ્બરે ફરી હાજર રહેવા આપ્યો આદેશ

નવી દિલ્હી : મગા-ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા ૨૦૦ કરોડ રૂપિયાના હાઈપ્રોફાઇલ ખંડણી કેસમાં જાણીતી અભિનેત્રી નોરા ફતેહી શુક્રવારે દિલ્હીની એડિશનલ સેશન્સ કોર્ટ સમક્ષ સાક્ષી તરીકે રૂબરૂ હાજર રહી હતી, જ્યાં તેણે કોર્ટ સમક્ષ આ કેસ સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ બાબતોનો ખુલાસો કર્યો હતો.
કોર્ટમાં આપેલા પોતાના નિવેદનમાં નોરા ફતેહીએ જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૦માં ચેન્નાઈ ખાતે યોજાયેલા એક ચેરિટી કાર્યક્રમ માટે તેની એજન્સી 'એક્સિડ એન્ટરટેઈનમેન્ટ' દ્વારા બુકિંગ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની મુખ્ય આયોજક સુકેશની પત્ની લીના પોલોસ હતી, જેને તે પહેલીવાર તે જ ઇવેન્ટમાં મળી હતી.
કેનેડિયન નાગરિક અને બોલિવૂડ અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું કે તે વિદેશી નાગરિક હોવાથી તેની તમામ વ્યાવસાયિક સેવાઓ મેનેજમેન્ટ કંપની મારફત જ લેવામાં આવે છે અને આ ચેન્નાઈ ઇવેન્ટ માટે તેને કોઈ રોકડ ફી મળી નહોતી, પરંતુ આયોજકો દ્વારા માત્ર મુસાફરીનો ખર્ચ, સ્ટાફનો ખર્ચ, ફાઈવ-સ્ટાર હોટેલનું રોકાણ અને મેકઅપ આર્ટિસ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઘટનાક્રમ વિશે વધુ વિગતો આપતા નોરાએ જણાવ્યું કે જ્યારે તે ઇવેન્ટ માટે તૈયાર થઈ રહી હતી ત્યારે લીના પોલોસ પોતાના પરિવારના સભ્યો, વિડિયોગ્રાફરો અને ભેટો સાથે તેના રૂમમાં આવી હતી અને પોતાની ઓળખ 'નેલ આર્ટિસ્ટ્રી સલૂન' ની માલિક તરીકે આપી હતી, ત્યારબાદ લીનાએ ફોન સ્પીકર પર મૂકીને સુકેશ ચંદ્રશેખર સાથે વાત કરાવી હતી.
સુકેશે ફોન પર નોરાનો આભાર માનતા કહ્યું હતું કે તેઓ તેના ખૂબ મોટા ચાહકો છે અને ભવિષ્યમાં આવા વધુ કાર્યક્રમો કરવા માંગે છે, તેમજ તે જ વાતચીત દરમિયાન લીના અને સુકેશે તેને એક કાર ભેટમાં આપવાનો આગ્રહ કર્યો હતો, જેના બાદ નોરા મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં સામેલ થઈ ડાન્સ સ્પર્ધામાં જજ બની હતી.
સુનાવણી દરમિયાન કોર્ટે અગાઉ હાજર ન રહેવા બદલ નારાજગી વ્યક્ત કરતા કડક શબ્દોમાં ટકોર કરી હતી કે "કોર્ટને હળવાશથી ન લો, તમારું વર્તન યોગ્ય નથી" અને સાક્ષી તરીકે નોરા ફતેહીને આગામી ૩૦ નવેમ્બરે ફરીથી કોર્ટ સમક્ષ હાજર રહેવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
