<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

ઈરાનમાં બોઇંગ 737 વિમાનમાં હવામાં જ ભયાનક હોનારત ટળી: ફ્લાઇટની છત તૂટી પડતાં મુસાફરોમાં ભારે અફડાતફડી અને ચીસાચીસ!

મશહદથી કરમાનશાહ જતી સેપેહરાન એરલાઇન્સની ફ્લાઇટમાં ટાયર ફાટતાં અને એન્જિન ધ્રૂજતાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું: તમામ મુસાફરોનો આબાદ બચાવ

મશહદ, તા.૧૬: ઈરાનના આકાશમાં મંગળવારે એક અત્યંત ભયાનક અને રૂવાડાં ઊભાં કરી દે તેવી વિમાન દુર્ઘટના ટળી હતી. મશહદ એરપોર્ટ પરથી કરમાનશાહ જવા માટે ટેકઓફ થયેલા 'સેપેહરાન એરલાઇન્સ' ના બોઇંગ 737 વિમાનમાં હવામાં જ ટેકનિકલ ખામી સર્જાતાં કેબિનની છતના ભાગો તૂટી પડ્યા હતા. વિમાનની અંદર સર્જાયેલા આ ભયાનક દ્રશ્યો વચ્ચે મુસાફરો જોરજોરથી રડવા લાગ્યા હતા અને ગભરાટમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા હતા.

 

હવામાં વિમાન તીવ્રતાથી ધ્રૂજ્યું અને છતની પેનલો નીચે પડી

 

પ્રાપ્ત વિગતો મુજબ, સાંજે 5:30 વાગ્યે ટેકઓફ કર્યાની થોડી જ મિનિટોમાં વિમાનના લેન્ડિંગ ગિયરનું ટાયર ધમાકા સાથે ફાટી ગયું હતું. આ ખામી બાદ એન્જિનમાં પણ ગંભીર સમસ્યા સર્જાઈ હતી અને આખું વિમાન હવામાં આંચકા સાથે તીવ્ર રીતે ધ્રૂજવા લાગ્યું હતું. તીવ્ર કંપનને કારણે કેબિનની અંદરની છતની પેનલો અને લાઇનિંગ તૂટીને નીચે બેઠેલા મુસાફરો પર લટકવા લાગી હતી, જેના કારણે આંતરિક માળખું ખુલ્લું થઈ ગયું હતું.

 

સોશિયલ મીડિયા પર નાટકીય વીડિયો વાયરલ

 

વિમાનની અંદર રેકોર્ડ કરાયેલા અને ઈરાની સમાચાર એજન્સી દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં મુસાફરો સીટબેકને મજબૂતીથી પકડીને પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરતા અને ચીસો પાડતા નજરે પડે છે. કેબિન લાઈટો ચાલુ હતી પરંતુ માથા પર લટકતી છતના કારણે ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ આઘાતજનક ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

પાઇલટની સૂઝબૂઝથી સુરક્ષિત લેન્ડિંગ, 30 વર્ષ જૂનું હતું વિમાન

 

કેબિનમાં ભારે અફડાતફડી વચ્ચે પાઇલટે તાત્કાલિક ઈમરજન્સી જાહેર કરી હતી અને વિમાનને મશહદના 'શાહિદ હાશેમીનેજાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક' પર સુરક્ષિત રીતે ઉતારી લીધું હતું. રાહતની વાત એ છે કે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ થયો છે અને કોઈને ગંભીર ઈજા પહોંચી નથી.

 

અહેવાલો મુજબ, આ દુર્ઘટનામાં સામેલ બોઇંગ 737-300 વિમાન અંદાજે ૩૦ વર્ષ જૂનું હતું. ઈરાનના સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશને ટાયરની ખામી અને કેબિનના નુકસાન અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

 

(4:44 PM IST)