તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
પ્રયાગરાજમાં બંધ ઘરની અંદરથી એક જ પરિવારના ત્રણ લોકોનાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર
મૃતકોમાં એક વૃદ્ધ દંપતી અને તેમની પુત્રી:ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ: પોલીસે સમગ્ર મામલાની તપાસમાં ચક્રો ગતિમાન કર્યા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના સાઉથ મલાકા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બંધ ઘરની અંદરથી એક જ પરિવારના ત્રણ લોકોનાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકોમાં એક વૃદ્ધ દંપતી અને તેમની પુત્રીનો સમાવેશ થાય છે. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસમાં ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ, સાઉથ મલાકા વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વીરેન્દ્ર વૈશ્ય, તેમના 65 વર્ષીય પત્ની અનીતા વૈશ્ય અને 45 વર્ષીય પુત્રી મીનાક્ષી વૈશ્યના મૃતદેહ તેમના ઘરની અંદરથી મળી આવ્યા છે. ઘર ઘણા દિવસોથી બંધ હતું. આસપાસના લોકોને ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગી, ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશી હતી. ઘરની અંદરનો નજારો જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. ત્રણેય મૃતદેહો અલગ-અલગ રૂમમાંથી મળી આવ્યા હતા.
એકસાથે ત્રણ લોકોનાં મોતની ખબર ફેલાતા જ વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકો આ ઘટનાથી આશ્ચર્યચકિત છે. પ્રાથમિક દ્રષ્ટિએ મોતના કારણો જાણી શકાયા નથી. ઘટનાની માહિતી મળતા જ ફિલ્ડ યુનિટ અને ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે ઘરની અંદરથી પુરાવા એકત્ર કરવાનું કામ શરૂ કરી દીધું છે. પોલીસ આસપાસના લોકો અને પડોશીઓની પણ પૂછપરછ કરી રહી છે, જેથી ઘટના સાથે જોડાયેલી કોઈ મહત્વની માહિતી મળી શકે.
મળતી માહિતી અનુસાર, મૃતદેહો પર ઈજાના નિશાન મળી આવ્યા છે. આ ઉપરાંત પરિવારનો આશરે 40 વર્ષનો પુત્ર અભિષેક હાલ ગુમ છે અને તેની શોધખોળ ચાલી રહી છે. પોલીસનું માનવું છે કે પુત્ર મળી આવ્યા બાદ આ મામલામાં કોઈ મહત્વની માહિતી સામે આવી શકે છે. હાલ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલીસ તમામ પાસાઓથી મામલાની તપાસ કરી રહી છે
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
