News of Saturday, 19th September 2026
મુંબઈમાં ગેરકાયદે બાંધકામો સામે બીએમસીની લાલ આંખ: ૧૪ ફૂટ કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા હજારો ઝૂંપડાઓ પર ટૂંક સમયમાં ચાલશે બુલડોઝર!
પહેલી ઓક્ટોબરથી ૩૧ ડિસેમ્બર સુધી ત્રણ મહિનાની વિશેષ ઝુંબેશ હાથ ધરાશે: પાલિકા દ્વારા કાર્યવાહી થાય તે પહેલાં ગેરકાયદે બાંધકામ જાતે જ હટાવી લેવા નાગરિકોને આખરી ચેતવણી

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા શહેરમાં વધી રહેલા અનધિકૃત અને ગેરકાયદે બાંધકામો સામે અત્યંત કડક પગલાં લેવાની તૈયારી કરી લેવામાં આવી છે. પાલિકા કમિશનર અશ્વિની ભીડેના કડક નિર્દેશો અનુસાર, આગામી પહેલી ઓક્ટોબરથી લઈને ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધીના ત્રણ મહિનાના સમયગાળા માટે એક વિશેષ ડિમોલિશન ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ ખાસ કરીને ૧૪ ફૂટ અને તેનાથી વધુ ઊંચાઈ ધરાવતા ગેરકાયદે ઝૂંપડાઓ અને માળખાને નિશાન બનાવવામાં આવશે, જેથી મહાનગરની સુરક્ષા અને ટાઉન પ્લાનિંગના નિયમો જળવાઈ રહે.
બૃહન્મુંબઈ વિસ્તારમાં પાલિકાના વિજિલન્સ વિભાગ દ્વારા કરવામાં આવેલા વ્યાપક સર્વેક્ષણમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સમગ્ર મુંબઈ શહેર અને ઉપનગરો મળીને કુલ ૨,૨૩,૧૫૦ ઝૂંપડાઓ આવેલા છે, જેમાંથી ૩૯,૧૧૧ ઝૂંપડાં એવા છે કે જેની ઊંચાઈ ૧૪ ફૂટ કે તેથી વધુ છે. આ ગેરકાયદે બાંધકામોમાં શહેર વિભાગમાં ૩,૩૪૮, પશ્ચિમ ઉપનગરમાં ૪,૩૪૮ અને પૂર્વ ઉપનગરમાં સૌથી વધુ ૩૧,૨૨૭ ઊંચા ઝૂંપડાઓનો સમાવેશ થાય છે. પાલિકા પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં ૪,૫૮૪ ગેરકાયદે બાંધકામો પર હથોડો ઝીંકી દેવામાં આવ્યો છે અને અન્ય ૬૧૧ ઝૂંપડાઓને નોટિસો ફટકારવામાં આવી છે.
જાતે બાંધકામ તોડી નાખવા પ્રશાસનની આખરી અપીલ
મહાનગરપાલિકાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે પાલિકાની ટીમ આવીને બુલડોઝર ચલાવે અને દંડ વસૂલે તે પહેલાં સંબંધિત રહેવાસીઓ કે માલિકોએ પોતે જ આ ગેરકાયદેસર અને વધારાના બાંધકામો જાતે તાત્કાલિક હટાવી લેવા અન્યથા કાયદાકીય અને આકરા દંડનીય પગલાંનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. મુંબઈમાં ગેરકાયદે દબાણોને ડામવા માટે વોર્ડ સ્તરે પણ સઘન ચેકિંગ અને કાર્યવાહી સતત ચાલુ જ છે.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
