<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

ભાવનગરના મહુવામાં મતદાનના દિવસે જ લોહિયાળ ખેલ: રાજુલાથી મત આપવા આવેલા યુવાન સમીરભાઈની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા

નવા બસ સ્ટેશન નજીક ત્રણ શખ્સોએ આચર્યું કૃત્ય; જૂની અંગત અદાવતનું કારણ; ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધોળા દિવસે હત્યાથી પંથકમાં ખળભળાટ; પોલીસે CCTV ફૂટેજ કબ્જે કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી

ભાવનગર : ભાવનગર જિલ્લાના મહુવા ખાતે આજે, 26 એપ્રિલ 2026ના રોજ ચૂંટણીના દિવસે જ એક લોહિયાળ ઘટના બની છે. અમરેલીના રાજુલાથી મતદાન કરવા આવેલા એક યુવાનને ધોળા દિવસે ત્રણ અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવાનનું નામ સમીરભાઈ હોવાનું જાણવા મળ્યું છે. સમીરભાઈને આરોપીઓ સાથે જૂની અંગત અદાવત હતી, જેના કારણે તેઓ અગાઉ મહુવા છોડીને રાજુલા રહેવા જતા રહ્યા હતા. પરંતુ આજે મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ ખાસ મહુવા આવ્યા હતા.

જ્યારે તેઓ પોતાનો વોટ આપીને મહુવાના નવા બસ સ્ટેશન નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અગાઉથી જ પ્રી-પ્લાન કરીને નજર લગાવીને બેઠેલા ત્રણ શખ્સોએ તેમના પર છરીઓ વડે હિચકારો હુમલો કર્યો હતો. છરીના આડેધડ ઘા વાગવાના કારણે યુવાનનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું.

પોલીસ કાર્યવાહી

ધોળા દિવસે અને તેમાં પણ ચૂંટણીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બનેલી આ હત્યાની ઘટનાથી ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.

પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા છે અને આરોપીઓ હત્યા કરીને કઈ તરફ ફરાર થયા છે તે દિશામાં હત્યારાઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું કારણ જૂની અંગત અદાવત હોવાનું સામે આવ્યું છે. મતદાનના દિવસે જ બનેલી આ ઘટનાથી સમગ્ર મહુવા પંથકમાં શોક અને રોષનો માહોલ છે.

(4:34 PM IST)