News of Thursday, 16th July 2026
મુંબઈની લાઈફલાઈનમાં મુસાફરો વચ્ચે લોહીયાળ જંગ: ચર્ચગેટ-વિરાર લોકલમાં બે જૂથો વચ્ચે જામી મારામારી; 'હથિયાર કાઢો'ની ધમકીથી મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
ચાલુ ટ્રેનમાં ઢીકાપાટુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સુરક્ષા સામે ગંભીર સવાલો; અન્ય એક ઘટનામાં પરેલ-અંબરનાથ લોકલમાં કડા વડે હુમલો થતાં બે યુવકો લોહીલુહાણ

મુંબઈ, તા. 16: મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા ફરી એકવાર રામભરોસે સાબિત થઈ રહી છે. પશ્ચિમ રેલવેના ચર્ચગેટથી વિરાર જતી ચાલુ લોકલ ટ્રેનમાં મુસાફરો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી, જેનો એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં બે યુવકો એકબીજા પર તૂટી પડતા દેખાય છે અને મામલો એટલો બિચક્યો હતો કે એક વ્યક્તિ ટ્રેનમાં જ "મશીન કાઢ" (હથિયાર/ચપ્પુ કાઢ) તેવી બૂમો પાડીને ધમકી આપી રહ્યો હતો, જેના કારણે સહ-મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનમાં ભીડ વચ્ચે કેટલાક યુવકો એકબીજાને બેરહેમીથી ફટકારી રહ્યા છે. નવાઈની વાત એ છે કે જ્યારે આ હિંસક દ્રશ્યો સર્જાઈ રહ્યા હતા, ત્યારે આસપાસના મુસાફરો ઝઘડો શાંત પાડવાને બદલે પોતાના મોબાઈલ કેમેરામાં વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતા. રેલવે પોલીસના જણાવ્યા અનુસાર, આ ઝઘડો કયા કારણે થયો અને ટ્રેન કયા સ્ટેશને હતી તેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી અને મામલાની તપાસ ચાલી રહી છે.
બીજી ઘટના: પરેલ-અંબરનાથ લોકલમાં માથા ફૂટ્યા
આ જ દિવસે મધ્યરાત્રિએ આશરે ૧૨:૩૦ વાગ્યે મુંબઈ લોકલમાં અન્ય એક લોહીયાળ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પરેલથી અંબરનાથ જતી લોકલ ટ્રેનના લગેજ કમ્પાર્ટમેન્ટમાં બે મુસાફરો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ મારામારીમાં બંનેના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. એક મુસાફરે હાથમાં પહેરેલા લોખંડના ભારે કડા વડે બીજાના માથા પર પ્રહાર કરતાં ડબ્બામાં લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. કલ્યાણ રેલવે સ્ટેશને પહોંચતા જ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP) એ ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા, જેમાંથી એકની હાલત નાજુક હોવાથી તેને મુંબઈની સાયન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ટ્રેનોમાં વધતી આવી હિંસક ઘટનાઓએ દૈનિક મુસાફરોની ચિંતામાં મોટો વધારો કર્યો છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
