News of Sunday, 8th November 2026
પાર્કિંગ અને પાલતુ કૂતરાના વિવાદમાં લોહીયાળ જંગ: ટેક મહિન્દ્રાના પૂર્વ હેડ પરમજીત ધનકરની હત્યા
પડોશીએ લાયસન્સવાળી પિસ્તોલથી ૧૪-૧૫ રાઉન્ડ ફાયરિંગ કરી ૯ ગોળીઓ ઝીંકી દીધી, પુત્રે કાર પાછળ છુપાઈને માંડ બચાવ્યો જીવ

ફરીદાબાદ: ટેક મહિન્દ્રાના એશિયા-પેસિફિક ક્ષેત્રના પૂર્વ પ્રાદેશિક બિઝનેસ હેડ પરમજીત ધનકરની પડોશી દ્વારા કરાયેલી ક્રૂર હત્યાથી સમગ્ર ફરીદાબાદ પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. સેક્ટર ૨૧સી સ્થિત એક જ બિલ્ડિંગમાં રહેતા ૪૪ વર્ષીય ભંગારના વેપારી અને આરોપી મોહન ઉર્ફે મોનુ શર્માએ શુક્રવારે રાત્રે સામાન્ય બાબતની અદાવતમાં પરમજીત ધનકર પર અંધાધૂંધ ગોળીબાર કરીને તેમની નિર્મમ હત્યા કરી નાખી હતી. આ ભયાનક હુમલા દરમિયાન આરોપીએ તેમના પુત્ર શૌર્યને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સદનસીબે શૌર્ય પાર્ક કરેલી કારની પાછળ છુપાઈને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ લોહીયાળ હત્યાકાંડ પાછળ બંને પરિવારો વચ્ચે પાર્કિંગ અને પાલતુ કૂતરાને લઈને લાંબા સમયથી ચાલતો વિવાદ મુખ્ય કારણ હતો. આરોપીનો પુત્ર તેમના પાલતુ કૂતરાને બિલ્ડિંગના પાર્કિંગ એરિયામાં મળત્યાગ કરાવતો હતો, જેને લઈને અવારનવાર તકરાર થતી હતી. શુક્રવારે રાત્રે પણ વાહન પાર્કિંગને લઈને બોલાચાલી ઉગ્ર બનતા આરોપીએ પોતાની પાસે રહેલી લાયસન્સવાળી પિસ્તોલ કાઢીને આડેધડ ૧૪ થી ૧૫ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું, જેમાં પરમજીત ધનકરને અંદાજે ૯ ગોળીઓ વાગતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને શનિવારે જ બલ્લભગઢના ડીએલએફ ચોક પાસેથી મુખ્ય આરોપી મોહન ઉર્ફે મોનુ શર્માની ધરપકડ કરી લીધી છે. પરમજીત ધનકર તેમના પરિવાર સાથે મકાન નંબર ૬૪૧ના પહેલા માળે રહેતા હતા જ્યારે આરોપી ત્રીજા માળે રહેતો હતો. એક સામાન્ય બાબતમાં આટલી હદે હિંસા ફાટી નીકળતા સ્થાનિક રહીશો પણ સ્બ્ધ થઈ ગયા છે.
આ સનસનાટીભર્યા કેસમાં પોલીસે આરોપીનું હથિયાર જપ્ત કરીને તેની કડક પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ હત્યા અને આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરના સખત પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી કાયદાનો ભય જળવાઈ રહે અને પીડિત પરિવારને ન્યાય મળી શકે.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
