તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં લોહિયાળ જંગ: પોલીસ અને આતંકીઓ વચ્ચેના ગોળીબારમાં ૧૩ ના મોત
બન્નુ જિલ્લામાં આતંકીઓ પોલીસ સ્ટેશનને ફૂંકી મારે તે પહેલાં જ સુરક્ષા દળોએ ઘેરી લીધા: ભીષણ અથડામણમાં ૧૨ કટ્ટરપંથીઓ ઠાર, એક નિવૃત્ત જવાન પણ શહીદ

પેશાવર : પાકિસ્તાનનો અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વા ફરી એકવાર લોહિયાળ ગેંગવોર અને આતંકી હિંસાથી ધ્રુજી ઊઠ્યો છે. બન્નુ જિલ્લાના મિરયાન તહસીલ અંતર્ગત આવતા બરાકઝાઈ અખુંદખેલ વિસ્તારમાં પોલીસ અને સશસ્ત્ર આતંકવાદીઓ વચ્ચે સામસામે ભીષણ ગોળીબાર થયો હતો. આ હાઈ-વોલ્ટેજ એન્કાઉન્ટરમાં ૧૨ ભારે હથિયારોથી સજ્જ બંદૂકધારીઓ ઘટનાસ્થળે જ ઠાર કરાયા છે, જ્યારે આતંકીઓનો બહાદુરીપૂર્વક સામનો કરતા એક નિવૃત્ત ફેડરલ કોન્સ્ટેબલરી જવાનનું પણ મોત નીપજ્યું છે. આ હિંસક અથડામણમાં અન્ય ચાર પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા છે.
જિલ્લા પોલીસ વડા (DPO) યાસિર આફ્રિદીએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, આતંકવાદીઓ કોઈ મોટા હુમલાના ઈરાદે સ્થાનિક પોલીસ સ્ટેશન તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ તેઓ પોતાના મનસૂબામાં કામયામ થાય તે પહેલાં જ સુરક્ષા દળો અને પોલીસ શાંતિ સમિતિએ તેમને ચારેય તરફથી ઘેરી લીધા હતા. આ ઓપરેશન બાદ સમગ્ર સરહદી વિસ્તારમાં ભારે તણાવ ફેલાઈ ગયો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાની સૈન્ય ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે. પાકિસ્તાન સરકારે આ આયોજિત હુમલા પાછળ પ્રતિબંધિત આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) નો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન પ્રાંતમાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની શાસકો અને સેના સામેનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. આ જ મહિનાની શરૂઆતમાં ૧૦ મેના રોજ બન્નુની ફતેહ ખેલ પોલીસ ચોકી પર થયેલા આત્મઘાતી હુમલામાં ૧૫ પોલીસકર્મીઓ જીવ ગુમાવી ચૂક્યા છે, જે બદલ પાકિસ્તાને અફઘાનિસ્તાન સમક્ષ કડક વિરોધ પણ નોંધાવ્યો હતો. ત્યારબાદ ૧૨ મેના રોજ લક્કી મારવતમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં નવ લોકોના મોત થયા હતા. આ વિસ્તારમાં સશસ્ત્ર સંગઠનોના વધતા પ્રભાવે ઇસ્લામાબાદની ચિંતામાં સરહદ પારનો વધારો કરી દીધો છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
