<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

યુક્રેનની રાજધાની કિવમાં રક્તપાત: માથાફરેલા બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરી 6ને મોતના ઘાટ ઉતાર્યા, સુપરમાર્કેટમાં બંધક બનાવ્યા બાદ પોલીસે હુમલાખોરને ઢેર કર્યો

રશિયા સાથેના યુદ્ધ વચ્ચે કિવમાં વર્ષોનો સૌથી ભયાનક નરસંહાર, મોસ્કોના 58 વર્ષીય વતનીએ કરિયાણાની દુકાનને રણમેદાન બનાવી નિર્દોષોના લોહી રેડ્યા બાદ એન્કાઉન્ટરમાં અંત

કિવ: યુદ્ધની આગમાં સળગતા યુક્રેનની રાજધાની કિવમાં શનિવારે એક હૃદયદ્રાવક સામૂહિક ગોળીબારની ઘટના બની છે, જેણે આખા શહેરને હચમચાવી દીધું છે. સશસ્ત્ર બંદૂકધારીએ પહેલા રસ્તા પર જઈ રહેલા નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા હતા, જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આટલા રક્તપાતથી પણ મન ન ભરાતા હુમલાખોર નજીકના એક સુપરમાર્કેટમાં ઘૂસી ગયો હતો અને ત્યાં હાજર ગ્રાહકો તેમજ સ્ટાફને બંધક બનાવી લીધા હતા. કરિયાણાની દુકાનની અંદર તેણે બેરિકેડિંગ કરી લીધું હતું, જેના કારણે કલાકો સુધી તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી અને અંતે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં બંદૂકધારીને ગોળી મારી ઠાર કર્યો હતો.
ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં સુપરમાર્કેટના કાચ પર ગોળીઓના નિશાન અને લોહીના ડાઘા જોવા મળી રહ્યા છે, જે આ હુમલાની ભયાનકતાની સાક્ષી પૂરે છે. પોલીસે જ્યારે ઓપરેશન પાર પાડ્યું ત્યારે દુકાનની બહાર એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલાના વાહનોના થર જામ્યા હતા. યુક્રેનના પ્રોસિક્યુટર જનરલ રુસલાન ક્રાવચેન્કોએ જણાવ્યું હતું કે, આ આત્મઘાતી હુમલામાં કુલ છ લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રશિયા સાથેના સતત સંઘર્ષને કારણે દેશમાં હથિયારોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો હોવા છતાં, કિવ જેવા સુરક્ષિત ગણાતા વિસ્તારોમાં આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા થયા છે.
આ ભયાનક કાંડ આચરનાર વ્યક્તિની ઓળખ 58 વર્ષીય મોસ્કોના વતની તરીકે કરવામાં આવી છે, જોકે આ પાછળનો હેતુ શું હતો તે હજુ સ્પષ્ટ થયું નથી. હુમલાખોર પાસે અત્યાધુનિક હથિયારો ક્યાંથી આવ્યા અને શું આ કોઈ સોપાયેલું કાવતરું હતું કે માનસિક વિકૃતિ, તે દિશામાં ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક રહીશોમાં આ ઘટના બાદ ભારે ફાળ પડી છે અને શહેરના જાહેર સ્થળો પર સુરક્ષામાં જંગી વધારો કરી દેવામાં આવ્યો છે. વર્ષો બાદ કિવમાં થયેલા આ સૌથી ભયાનક માસ શૂટિંગે યુદ્ધના તણાવ વચ્ચે નાગરિકોની સુરક્ષા અંગે ચિંતાની લકીરો ખેંચી દીધી છે.

(1:29 AM IST)