News of Friday, 2nd October 2026
ઓનલાઈન જુગારના ચસ્કામાં 'બ્લિંકિટ'નો ડિલિવરી બોય બન્યો ચેઈન સ્નેચર: મહિલાઓને નિશાન બનાવી ચોરેલું ₹૭.૯ લાખનું સોનું જપ્ત!
'લૂંટ, જુગાર અને નુકસાન'ના વિષચક્રમાં ફસાયેલા ૨૪ વર્ષીય કુમાર ચવ્હાણની વાશી ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ: આઠ ચોરીના કેસનો ભેદ ઉકેલાયો

નવી મુંબઈ, તા.૦૨: ઓનલાઈન જુગારના ખતરનાક વ્યસને ૨૪ વર્ષના એક યુવકને ગુનાખોરીના માર્ગે ધકેલી દીધો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. બ્લિંકિટ (Blinkit) કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો કુમાર બાબુ ચવ્હાણ પોતાની ડ્યુટી વગરના સમયમાં મહિલા રાહદારીઓના ગળામાંથી સોનાની ચેઈન અને મંગળસૂત્ર આંચકીને ભાગી જતો હતો. વાશી વિસ્તારમાં પોતાના નવા શિકારની શોધમાં રેકી કરી રહેલા આ આરોપીને ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૧ ની ટીમે ગ્રે રંગની સ્કૂટી સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.
ચોરેલું સોનું ખરીદનાર ઝવેરી પણ પોલીસ શિકંજામાં
નવી મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, કોપરખૈરાણેના બોનકોડ વિસ્તારનો રહેવાસી કુમાર ચવ્હાણ ચોરેલા ઘરેણાં વેચવા માટે ઝવેરી જગદીશચંદ્ર રામચંદ્ર કુમાવત (ઉં.વ. ૩૩) પાસે જતો હતો. પોલીસે ચોરીનો માલ ખરીદવા બદલ આ ઝવેરીને પણ સહ-આરોપી બનાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ધરપકડથી સાનપાડાના ૫, વાશીના ૨ અને કોપરખૈરાણેના ૧ મળી કુલ ૮ ચેઈન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીઓ પાસેથી ૬૮.૮૪ ગ્રામ સોનું (કિંમત રૂ. ૭.૯૨ લાખ) અને ગુનામાં વપરાયેલી સ્કૂટી જપ્ત કરી છે.
'લૂંટ - ઓનલાઈન જુગાર - પૈસા ગુમાવવા - પુનઃ લૂંટ'નું મોડેલ
સીનિયર ઈન્સ્પેક્ટર વિકાસ ઘોડાકે અને એસીપી (ક્રાઈમ) ભાઉસાહેબ ધોલેના જણાવ્યા અનુસાર, ચવ્હાણ પોતાના મોબાઈલમાં ઓનલાઈન ગેમિંગ અને જુગાર રમવાનો ભારે ચસ્કો ધરાવતો હતો. જુગારમાં હારી ગયેલા નાણાંની ભરપાઈ કરવા અને વધુ નફો કમાવાની લાલચમાં તેણે રસ્તા પર જતી એકલદોકલ મહિલાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. સોનું વેચીને મળેલા પૈસા તે ફરીથી ઓનલાઈન જુગારમાં હોમી દેતો હતો.
CCTV ફૂટેજ અને કોન્સ્ટેબલોની સતર્કતાથી પકડાયો
વારંવાર બનતી ઘટનાઓને પગલે ક્રાઈમ બ્રાન્ચે સેંકડો સીસીટીવી (CCTV) કેમેરા ચકાસીને આરોપીના હાવભાવ, પહેરવેશ અને ગ્રે સ્કૂટીની ઓળખ મેળવી હતી. ૨૫ સપ્ટેમ્બરના રોજ સાંજે વાશી સેક્ટર-૭ માં હેલ્મેટ પહેરીને શંકાસ્પદ રીતે ફરી રહેલા ચવ્હાણને કોન્સ્ટેબલ ચંદ્રકાંત કદમ અને સાગર સોનવલકરે ઊભા રહેવા ઈશારો કર્યો હતો. આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ સતર્ક કોન્સ્ટેબલોએ તેને સ્થળ પર જ કાબૂમાં લઈ લીધો હતો. હાલમાં આરોપી ૧ ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલી રહી છે.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
