તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
સાબુમાંથી નીકળી બ્લેડ! ન્હાતી વખતે બાળકના ગાલમાં ચીરો પડી ગયો
બાળકને થયેલી પીડા અને આ સમગ્ર ઘટના બદલ પીડિત પરિવારે સાડા ત્રણ લાખ રૂપિયાના વળતરની માંગણી કરી : સાબુની અંદર હતી બ્લેડ, જ્યારે બાળક ન્હાવા ગયો તો ગાલ પર પડી ગયો મોટો ચીરો, હવે ગ્રાહક આયોગે સાબુ બનાવતી કંપની, દુકાનદાર (રિટેલર) અને ડિસ્ટ્રીબ્યુટરને જવાબદાર ઠેરવ્યા છે અને પીડિતને વળતર તથા દંડ પેટે કુલ ૫૬૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે

ગ્વાલિયર,તા.૨૪: દરેક ઘરમાં ન્હાવા માટે ઉપયોગમાં લેવાતો સાબુ કોઈના જીવ માટે જોખમ બની શકે છે, એવું કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય, પરંતુ ગ્વાલિયરથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ન્હાતી વખતે એક બાળકના ગાલ પર મોટો ચીરો પડી ગયો હતો અને પછી લોહી નીકળવા લાગ્યું હતું. જ્યારે પરિવારે તપાસ કરી તો સાબુની અંદર એક ધારદાર બ્લેડ હતી. હવે આ મામલે ગ્રાહક આયોગે સાબુ બનાવનાર કંપની, દુકાનદાર (રિટેલર) અને ડિસ્ટ્રીબ્યુટરને જવાબદાર ઠેરવ્યા છે અને પીડિતને વળતર તથા દંડ પેટે કુલ ૫૬૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
ગ્વાલિયરના બહોદાપુર વિસ્તારમાં રહેતા અંગદ તોમરે આનંદ નગરની એક દુકાનમાંથી એક જાણીતી બ્રાન્ડના ૧૦ સાબુ ખરીદ્યા હતા. બીજા દિવસે, તેમના દીકરાએ ન્હાવા માટે તેમાંથી એક સાબુનો ઉપયોગ કર્યો. જેવો બાળક સાબુ લઈને બાથરૂમમાં ગયો અને અંદર ન્હાવાનું શરૂ કર્યું. થોડીવારમાં તેની ચીસો સંભળાવવા લાગી. જ્યારે તેઓ બાથરૂમમાં ગયા તો તેના ગાલ પર મોટો-ઊંડો ચીરો પડી ગયો હતો અને તેમાંથી લોહી નીકળી રહ્યું હતું. જ્યારે તેમણે સાબુ જોય તો તેઓ ચોંકી ગયા. કારણ કે સાબુની અંદર એક રેઝર બ્લેડ હતી.
જ્યારે પરિવારે દુકાનદારને આ અંગે ફરિયાદ કરી, ત્યારે તેણે આ વાત માનવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જોકે, પરિવારે દુકાનદારને બીજો સાબુ આપ્યો તો તેમાંથી પણ એક બ્લેડ નીકળી હતી. આ બાબતને ગંભીરતાથી લેતા પીડિત પરિવારે 'નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન' (રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન) પર ફરિયાદ નોંધાવી અને ગ્રાહક આયોગ નો સંપર્ક કર્યો હતો.
સુનાવણી દરમિયાન સાબુ બનાવતી કંપનીએ દલીલ કરી કે તે જ બેચના અન્ય ૧૪ સાબુનું લેબમાં ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું, જેમાં કોઈ બ્લેડ મળી આવી ન હતી. કંપનીએ એવી શક્યતા વ્યક્ત કરી કે કદાચ કોઈએ જાણીજોઈને સાબુમાં બ્લેડ નાખી હશે. જોકે, આયોગ આ દલીલથી સંતુષ્ટ થયું નહીં અને ફરિયાદને ફગાવી દેવા માટે કંપનીની આ દલીલ માન્ય રાખી નહીં.
બાળકને થયેલી પીડા અને આ સમગ્ર ઘટના બદલ પીડિત પરિવારે સાડા ત્રણ લાખ રૂપિયાના વળતરની માંગણી કરી હતી. જોકે, સારવારને લગતા ડોક્યુમેન્ટ રજૂ કરી શકાયા ન હોવાથી આયોગે તેમની માંગણીનો સ્વીકાર કર્યો નહોતો. આ છતાં આયોગે સાબુ બનાવતી કંપનીને પીડિત પરિવારને ૫૦ હજાર વળતર અને ૨ હજાર કાનૂની કાર્યવાહીના ચૂકવવાનો આદેશ આપ્યો છે. સાથે જ દુકાનદાર અને ડિસ્ટ્રીબ્યુટરને પીડિતને ૨-૨ હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. આમ પીડિત પરિવારને કુલ ૫૬ હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
