<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

મહિલા બિઝનેસ પાર્ટનર સાથે અંગત ક્ષણોનો વીડિયો બનાવીને બ્લેકમેઇલ કર્યો: નવી મુંબઈના જીમ માલિકે ૩૮ લાખ રૂપિયા પડાવ્યા બાદ પોલીસે કરી ધરપકડ

વ્યાવસાયિક અને અંગત સંબંધોની આડમાં બ્લેકમેઇલિંગનું ઘૃણાસ્પદ કૃત્ય કરનાર આરોપી ઝડપાયો; પીડિતાની ફરિયાદના આધારે પોલીસે મામલો નોંધીને બે દિવસની પોલીસ કસ્ટડી મેળવી.

નવી મુંબઈ : મહારાષ્ટ્રના નવી મુંબઈ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વ્યવસાયિક ભાગીદારીના સંબંધોને લજવતો જઘન્ય અપરાધ સામે આવ્યો છે. નવી મુંબઈમાં જીમ ચલાવતા એક માલિક દ્વારા પોતાની જ મહિલા બિઝનેસ પાર્ટનરને બ્લેકમેઇલ કરીને તેની પાસેથી કુલ ૩૮ લાખ રૂપિયા વસૂલવાનો મામલો સામે આયો છે. પીડિતાની ફરિયાદના આધારે રબાળે પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને આરોપી જીમ માલિકની ધરપકડ કરી લેવામાં આવી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી વિવેક પાટીલ અને પીડિતા વર્ષ ૨૦૨૧થી એકબીજાને ઓળખતા હતા અને ઘસોલી ખાતે સાથે મળીને વ્યવસાયમાં ભાગીદાર તરીકે કામ કરતા હતા. આ વ્યાવસાયિક અને અંગત પરિચયનો દુરુપયોગ કરીને આરોપીએ પીડિતા સાથેના સંબંધોનો લાભ ઉઠાવ્યો હતો અને ગુપ્ત રીતે તેમની કેટલીક અંગત ક્ષણોનો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. આ વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકીઓ આપીને આરોપી લાંબા સમયથી મહિલાને માનસિક રીતે ટોર્ચર કરી રહ્યો હતો અને ડરાવી-ધમકાવીને તબક્કાવાર રીતે તેની પાસેથી ૩૮ લાખ રૂપિયા પડાવી લીધા હતા.

 

આરોપીના સતત માનસિક ત્રાસ અને નાણાકીય ઉત્પીડનથી કંટાળીને આખરે પીડિતાએ હિંમત દાખવીને મંગળવારે રબાળે પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગંભીર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત ગુનો દાખલ કર્યો હતો અને બુધવારે આરોપી વિવેક પાટીલને સકંજામાં લઈ લીધો હતો. ધરપકડ કર્યા બાદ આરોપીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં અદાલતે તેને બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારી છે. આ ઘટના બાદ વેપારી વર્ગ અને સેલિબ્રિટી સર્કલમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

(8:30 PM IST)