<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

ભારતીય શેરબજારમાં કાળો ગુરુવાર: સેન્સેક્સ ૧,૨૪૭ પોઈન્ટ ગગડ્યો, ૭૩,૫૮૦.૫૪ ની નીચલી સપાટી પર બંધ: રોકાણકારોના ₹૪.૩૩ લાખ કરોડ ક્ષણભરમાં ધોવાઈ ગયા

વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં ઉછાળો, ક્રૂડ ઓઈલની ભડકે બળતી કિંમતો અને ડોલરની મજબૂતીથી નિફ્ટી ૨૩,૧૦૦ની નીચે સરક્યો

મુંબઈ, તા.૨૪: ભારતીય શેરબજાર માટે ગુરુવારનો દિવસ આંચકાજનક સાબિત થયો હતો. વૈશ્વિક બજારોમાંથી મળેલા ખરાબ સંકેતો, યુએસ બોન્ડ યીલ્ડમાં અચાનક થયેલો વધારો, બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી અને મજબૂત થતા યુએસ ડોલરના કારણે ભારતીય શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. કારોબારના અંતે BSE સેન્સેક્સ ૧,૨૪૭.૭૧ પોઈન્ટ (૧.૬૭%) ના ભારે ઘટાડા સાથે ૭૩,૫૮૦.૫૪ ની નીચલી સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે NSE નિફ્ટી ૩૮૩.૭૦ પોઈન્ટ (૧.૬૪%) ઘટીને ૨૩,૦૬૩.૧૦ ની સપાટીએ સરકી ગયો હતો.

બજારમાં વ્યાપક વેચવાલીના કારણે BSE પર સૂચિબદ્ધ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂલ્ય) અંદાજે ₹૪.૩૩ લાખ કરોડ ઘટીને ₹૪,૮૦.૬૮ લાખ કરોડ થઈ ગયું હતું. નિફ્ટી ૫૦૦માં સામેલ ૪૦૦થી વધુ કંપનીઓના શેરોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને અમેરિકામાં ૧૦-વર્ષીય ટ્રેઝરી યીલ્ડ વધીને ૫.૧૩ ટકા થતાં વિદેશી રોકાણકારોએ ઉભરતા બજારોમાંથી નાણાં પાછા ખેંચવાનું શરૂ કર્યું છે, જેની સીધી અસર ભારતીય બજાર પર પડી હતી.

આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ ફરી વધીને ૧૦૬ ડોલર પ્રતિ બેરલ નજીક પહોંચતાં આયાત ખર્ચ વધવાની ચિંતાથી ઈન્ડિગો, HPCL અને BPCL જેવા શેરો ૨ ટકાથી વધુ તૂટ્યા હતા. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જીઓપોલિટિકલ તણાવને કારણે પણ પુરવઠા પર અસર પડી છે. તો બીજી તરફ, નાણાકીય ક્ષેત્રે વીમા વિતરણ પર IRDAI ના કન્સલ્ટેશન પેપરને કારણે PB ફિનટેક જેવા શેરોમાં ભારે ઘટાડો થયો હતો અને નિફ્ટી બેંક ૧,૦૦૦ પોઈન્ટથી વધુ ગગડ્યો હતો.

(5:40 PM IST)