<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં સાઉદી અરામકો પ્લાન્ટની નજીક આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટા અને ભયાનક જવાળાઓ દેખાતા ભારે અફરાતફરી: પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક તણાવ વચ્ચે સિક્યોરિટી એલર્ટ

​સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ઈંધણ પ્રોસેસિંગ એકમ નજીકથી વિકરાળ આગ અને ધુમાડો પ્રસરી જતાં ભયનો માહોલ સર્જાયો; આગાઉ પણ આવા પ્રદેશોને ટાર્ગેટ કરાયા હોવાના કારણે સુરક્ષા પરિબળો અને વૈશ્વિક ક્રૂડ ઓઈલ માર્કેટમાં તીવ્ર ચિંતાનો મોજો

​રિયાધ:મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) ક્ષેત્રમાં ચાલી રહેલા ભારે તણાવ અને સૈન્ય ગતિવિધિઓ વચ્ચે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાંથી એક ખૂબ જ ગંભીર ઘટના સામે આવી છે. શનિવારે રિયાધ સ્થિત વિશ્વની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની સાઉદી અરામકો (Saudi Aramco) ની એક મહત્વપૂર્ણ સુવિધા અને પ્લાન્ટ પરિસરની બિલકુલ નજીક અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી અને આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ક્ષણભરમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

​આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોયટર્સ અને સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના અહેવાલો મુજબ, રિયાધમાં આવેલી અરામકોની ફેસિલીટીની બિલકુલ નજીકના ભાગમાંથી મોટા પ્રમાણમાં લાલચોળ આગની જ્વાળાઓ ઊઠતી નજરે પડી હતી. આ ધુમાડાના કાળા વાદળો કેટલાક કિલોમીટર દૂર સુધી સ્પષ્ટપણે જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા દળો અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે કવાયત હાથ ધરી હતી.

​જોકે, આ ભયાનક આગ કયા કારણોસર લાગી છે કે કોઈ આક્રમક ગતિવિધિ અથવા ડ્રોન કે મિસાઈલ હુમલાનો ભાગ છે કે કેમ, તે અંગે હજુ સુધી સાઉદી તંત્ર કે અરામકો કંપની દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. હાલમાં આ સમગ્ર ઘટના અંગે ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.

​ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી મધ્ય પૂર્વમાં પ્રાદેશિક સંઘર્ષો અને તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં યમનના હૂથી બળવાખોરો દ્વારા અગાઉ પણ સાઉદી અરેબિયાના અરામકો તેલ ક્ષેત્રો અને ઈંધણ ડેપોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા છે. તે સંજોગોમાં રિયાધ જેવા સુરક્ષિત ગણાતા વિસ્તારમાં ઓઈલ સુવિધા નજીક આ પ્રકારની આગની ઘટના બનતા સમગ્ર સાઉદી અરેબિયાની સુરક્ષા વ્યવસ્થા હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવી છે.

​આ ઘટનાને કારણે વૈશ્વિક ઉર્જા ક્ષેત્ર અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ બજારમાં પણ ભારે ચિંતા પ્રસરી ગઈ છે. સાઉદી અરામકો વિશ્વમાં ક્રૂડ ઓઈલ પુરવઠા માટેનું મુખ્ય કેન્દ્ર છે, જેથી આ ક્ષેત્રની સુરક્ષા પર ઊભી થયેલી આશંકાઓને કારણે તેલ પુરવઠો ખોરવાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક સુરક્ષા દળો હાલ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

(6:34 PM IST)