તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
કાળમુખો વરસાદ અને ગેરકાયદે બાંધકામનો ભયાનક અંજામ: મુંબઈના માનખુર્દમાં ૪ માળની ઈમારત ધરાશાયી, સુરક્ષિત સ્થળે જતા પહેલાં જ આખો ગરીબ પરિવાર કાટમાળમાં જીવતો દફન; મકાનમાલિક જેલભેગો
માત્ર થોડા કલાકોનું મોડું થતાં કાળ આંબી ગયો: પત્ની અને ચાર બાળકોના કરૂણ મોત, બહાર ગયેલા પતિની નજર સામે જ ઉજ્જડ થઈ ગયો સંસાર; સીએમ દ્વારા ૫-૫ લાખની સહાય જાહેર

મુંબઈ, તા.૦૭: માયાનગરી મુંબઈમાં સતત વરસી રહેલા મુસળધાર વરસાદે ફરી એકવાર નિર્દોષ લોકોનો ભોગ લીધો છે. માનખુર્દના જનતા નગર (ન્યૂ મંડલા) વિસ્તારમાં બનેલી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દે તેવી ઘટનાએ આખા મુંબઈ શહેરને સ્તબ્ધ કરી દીધું છે. એક ગરીબ પરિવાર જે જોખમ પારખીને આગામી સવારે જ પોતાનું ઘર ખાલી કરીને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાનું આયોજન કરી રહ્યો હતો, તે માત્ર થોડા કલાકોના વિલંબને કારણે કાળનો કોળિયો બની ગયો છે. ચાર માળની ઈમારત પત્તાના મહેલની જેમ તૂટી પડતાં આખો પરિવાર કાટમાળ નીચે જીવતો દફન થઈ ગયો હતો.
સામાન પેક કરતા હતા અને મોત ત્રાટક્યું!
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, મૃતક મહિલા અખ્તર જહાં અને તેમના પતિ મોઈનુદ્દીન વાદિજ અલી શાહ પોતાના ચાર માસૂમ બાળકો સાથે ઈમારતની બાજુમાં જ એક ટિન-શેડના (પતરાના) મકાનમાં રહેતા હતા. છેલ્લા કેટલાક દિવસોના ભારે વરસાદને કારણે બાજુની ચાર માળની ઈમારતમાં મોટી તિરાડો પડી ગઈ હતી અને તે એક તરફ નમી ગઈ હતી. જોખમનો અહેસાસ થતાં જ અખ્તર જહાં ખૂબ જ ઉતાવળમાં પોતાનો ઘરવખરીનો સામાન પેક કરી રહી હતી જેથી રવિવારની સવારે જ ત્યાંથી નીકળી શકાય. પરંતુ, શનિવારે મોડી રાત્રે જ કાળ બનીને આવેલી આ ઈમારત તેમના ઘર પર ધરાશાયી થઈ ગઈ. કિસ્મતના ખેલ જુઓ, પતિ મોઈનુદ્દીન ઘટનાના થોડી મિનિટો પહેલાં જ કોઈ કામ અર્થે બહાર નીકળ્યો હતો, જેવો તે પાછો ફર્યો ત્યારે તેની નજર સામે જ તેનું આખું ઘર અને પરિવાર નામશેષ થઈ ચૂક્યા હતા.
તંત્રની આંખ આડા કાન અને ગેરકાયદે બાંધકામ
પ્રાથમિક તપાસમાં મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, જે ઈમારત ધરાશાયી થઈ તે સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે અને હલકી ગુણવત્તાની સામગ્રીથી બનાવવામાં આવી હતી. આ ભયાનક બેદરકારી બદલ મુંબઈ પોલીસે તાત્કાલિક એક્શન લઈને ઈમારતના માલિક અને બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર બંનેની ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે.
સીએમની સહાય પણ સવાલ યથાવત: ક્યારે જાગશે વહીવટીતંત્ર?
આ ભયાનક દુર્ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને મૃતકોના આશ્રિતને ૫-૫ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. પરંતુ, સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું વહીવટીતંત્રએ આવી જોખમી અને ગેરકાયદેસર ઈમારતો સામે સમયસર કડક પગલાં લીધા હોત, તો આ હસતા-ખેલતા પરિવારને મરતા બચાવી ન શકાયો હોત? મુંબઈમાં દર ચોમાસે આવી ઘટનાઓ બને છે, છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ લાગે છે, જેને લઈને સ્થાનિક જનતામાં ભારે આક્રોશ ફેલાયો છે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
