તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Monday, 9th November 2026
પ્રકાશના પર્વ પર ઉજ્જૈનમાં કાળો ડિબાંગ ધુમાડો: બે ભીષણ આગમાં ૧૦૭ વર્ષના વૃદ્ધ હોમાયા, કરોડોનો સામાન ખાખ
દિવાળી પૂજન વેળા જ દેવાસ રોડની બિલ્ડિંગમાં આગનો ભયાનક લપકારો, ત્રીજા માળે ફસાયેલા વૃદ્ધનું સારવારમાં દમ તોડવાની કરુણતા

ઉજ્જૈન: દિવાળીની ઝળહળતી રાત્રે ઉજ્જૈન શહેરમાં આનંદનો માહોલ ક્ષણભરમાં ચીસ અને ગભરાટમાં ફેરવાઈ ગયો હતો. દેવાસ રોડ અને ફ્રીગંજ જેવા ધમધમતા વિસ્તારોમાં એક જ રાતમાં લાગેલી બે ભીષણ આગની ઘટનાઓએ આખા શહેરને સ્તબ્ધ કરી દીધું છે. નાગઝીરી વિસ્તારના દેવાસ રોડ પર આવેલા વિશ્વકર્મા હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ્સ બિલ્ડિંગમાં લાગેલી આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે તેમાં ત્રીજા માળે ફસાયેલા ૧૦૭ વર્ષીય વૃદ્ધ મોહનલાલનું સારવાર દરમિયાન દર્દનાક મોત નીપજ્યું હતું.
નાગઝીરી વિસ્તારમાં વિશ્વકર્મા પરિવાર પોતાના ઘરમાં દિવાળી પૂજનની વિધિ કરી રહ્યો હતો, ત્યારે જ નીચે આવેલા હાર્ડવેર અને ઇલેક્ટ્રિકલ્સના શોરૂમમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. દુકાનમાં પેઇન્ટ અને કેમિકલનો જથ્થો હોવાથી આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા ક્ષણવારમાં ઉપરના માળ સુધી પહોંચી ગયા હતા. ઘરમાં હાજર ત્રણ લોકોમાંથી બે વ્યક્તિઓને સલામત બહાર કાઢી શકાયા હતા, પરંતુ ૧૦૭ વર્ષીય વૃદ્ધ મોહનલાલ ઉપરના માળે જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર રોશન કુમાર સિંહ અને સીએસપી શ્વેતા ગુપ્તા સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો કાપી નાખી ચાર ફાયર એન્જિનો વડે ભારે જહમત બાદ વૃદ્ધને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું કરુણ મોત થયું હતું. આગની આ હોનારતમાં દુકાનમાં રહેલો લાખો રૂપિયાનો સામાન સંપૂર્ણપણે સળગીને ભસ્મીભૂત થઈ ગયો હતો.
બીજી તરફ, ફ્રીગંજ વિસ્તારમાં આવેલા ટાવર ચોક નજીક સુરાણા એક્સપોર્ટ્સ નામના વ્યાપારી પ્રતિકમાં પણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. પર્વની રાત્રે બજારમાં મોટી સંખ્યામાં લોકો હાજર હોવાથી અચાનક ધુમાડો નીકળતા જ ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટના સ્થળે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડના મોડા આગમન સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. પ્રાથમિક તબક્કે આ બંને ભયાનક અકસ્માતો પાછળ દિવાળીના ફટાકડાની ચિણગારી અથવા તો ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ કારણભૂત હોવાની આશંકા સેવાઈ રહી છે.
હાલમાં ઉજ્જૈન પોલીસ અને ફોરેન્સિક ટીમે બંને સ્થળોને સીલ કરીને આગના સાચા કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ પ્રશાસન દ્વારા ફટાકડા કે શોર્ટ સર્કિટના પાસાઓને ધ્યાનમાં રાખીને ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા શહેરના વેપારી એકમોમાં અગ્નિશામક સુવિધાઓ અને એનઓસી (NOC) અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, તેમજ વહીવટી તંત્ર દ્વારા પીડિત પરિવાર અને વેપારીઓને થયેલા આર્થિક નુકસાનના આંકડાકીય સર્વે બાદ યોગ્ય વળતર આપવાની અને કાનૂની કાર્યવાહી આગળ વધારવાની કવાયત હાથ ધરાઈ છે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
