News of Wednesday, 8th July 2026
પાકિસ્તાનમાં BLAનું તાંડવઃ પોલીસ સ્ટેશન પર હુમલોઃ ૧૭ પોલીસકર્મીઓના મોત
બલુચિસ્તાનના ઝિયારત વિસ્તારમાં ૧૭ પોલીસકર્મીઓ માર્યા ગયાઃ ઘણા ઘાયલ થયા, અને આશરે ૧૫ ગુમ થયા અથવા બંધક બનાવ્યા

ઝિયારત,તા.૮: પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર હિસા ફાટી નીકળી છે. બલુચ લિબરેશન આર્મી (BLA) એ ઝિયારત જિલ્લામાં પોલીસ દળોને નિશાન બનાવીને મોટો હુમલો કર્યો. પ્રારંભિક માહિતી અનુસાર, હુમલામાં ૧૭ પોલીસકર્મીઓ માર્યા ગયા, જ્યારે ઘણા અન્ય ઘાયલ થયા. વધુમાં, આશરે ૧૫ પોલીસકર્મીઓ ગુમ થયાના અહેવાલ છે. કેટલાક મીડિયા અહેવાલો સૂચવે છે કે હુમલાખોરો તેમને પોતાની સાથે લઈ ગયા હશે, જોકે હજુ સુધી આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
અહેવાલ છે કે માર્યા ગયેલા પોલીસકર્મીઓમાં બે સ્ટેશન હાઉસ ઓફિસર (SHO)નો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં ઝિયારતમાં માંગી ડેમ નજીક એક પોલીસ ચોકીને નિશાન બનાવવામાં આવી હતી, જ્યાં ભારે સશસ્ત્ર હુમલાખોરોએ અચાનક આ વિસ્તારમાં ધસી આવ્યા હતા. આ હુમલાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના બાદ તરત જ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ગુમ થયેલા પોલીસકર્મીઓને શોધવા અને હુમલાખોરોને શોધવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
આ દરમિયાન, બલૂચ લિબરેશન આર્મી (BLA) એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. સંગઠનનું કહેવું છે કે તેણે માંગી ડેમ નજીક પોલીસ ચોકીને નિશાન બનાવી હતી. પોસ્ટમોર્ટમ પછી, હુમલામાં શહીદ થયેલા પોલીસકર્મીઓના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તેમના વતન ગામો અને શહેરોમાં મોકલવામાં આવી રહ્યા છે. આ હુમલાથી ફરી એકવાર બલૂચિસ્તાનમાં સુરક્ષા પરિસ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
ગયા મહિનામાં, બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ઘણા મોટા હુમલા કર્યા છે. પોલીસ ચોકી પર હુમલા પહેલા, BLA એ ઝિયારતમાં બે લશ્કરી છાવણીઓ પર હુમલો કરવાનો દાવો કર્યો હતો. ૨૭-૨૮ જૂનના રોજ થયેલા હુમલાઓમાં ઘણા સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા, જ્યારે જૂથે છાવણીઓ પર કબજો કરવાનો અને શષો લૂંટવાનો પણ દાવો કર્યો હતો.
વધુમાં, ૩-૪ જુલાઈના રોજ, ગ્વાદરના જીવાનીમાં કોસ્ટ ગાર્ડ કેમ્પ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. BLAના માજીદ બ્રિગેડે વિસ્ફોટકો ભરેલા વાહનનો ઉપયોગ કરીને કોસ્ટ ગાર્ડ કેમ્પને નિશાન બનાવ્યો હતો. BLAએ દાવો કર્યો હતો કે આ હુમલામાં ૩૦ થી વધુ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા, જોકે પાકિસ્તાન દ્વારા આ આંકડાઓની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
