News of Saturday, 9th May 2026
બંગાળમાં ભાજપનો વિજયાદશમી જેવો માહોલ: સુવેન્દુ અધિકારીએ લીધા મુખ્યમંત્રી પદના શપથ, પીએમ મોદીએ શહીદ કાર્યકરોના પરિવારોને મળીને વહાવ્યા આસું!
કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ; યોગી આદિત્યનાથે સુવેન્દુને પહેરાવ્યો ગોરખનાથ ધામનો કેસરિયો પટકો, રાજકીય હિંસાના પીડિતો માટે બનાવાયું ભવ્ય સ્મારક

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકારણમાં શનિવાર, ૯ મે ૨૦૨૬નો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. રાજ્યમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાયા બાદ, ભાજપ વિધાનસભા પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક દિગ્ગજ નેતાઓની હાજરીએ વાતાવરણમાં નવો જોમ ભર્યો હતો.
પીએમ મોદીએ પીડિત પરિવારોની પીડા વહેંચી શપથ ગ્રહણ વિધિ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય સંવેદનશીલતા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે બંગાળમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલી રાજકીય હિંસામાં જીવ ગુમાવનારા ભાજપના કાર્યકરોના પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. પીએમ મોદીએ સ્વર્ગસ્થ દેવાશીષ મંડલ, સૌમિત્ર ઘોષાલ અને આનંદ પોલના પરિવારજનો સાથે વાતચીત કરી, તેમને સાંત્વના આપી અને શોક વ્યક્ત કર્યો હતો.
બલિદાનની યાદમાં ભવ્ય સ્મારક અને ભાવુક દ્રશ્યો આ ઐતિહાસિક અવસર પર, રાજકીય હિંસામાં બલિદાન આપનારા કાર્યકરોની યાદમાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક સ્મારક બનાવવામાં આવ્યું હતું. મંચ પર હાજર વડાપ્રધાન સહિતના તમામ નેતાઓએ આ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ભાજપ નેતાઓએ ગર્વ સાથે જણાવ્યું હતું કે પાર્ટી પોતાના કાર્યકરોના ત્યાગ અને બલિદાનને ક્યારેય ભૂલશે નહીં.
યોગી આદિત્યનાથનું ખાસ અભિવાદન સમારોહમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ હાજરી આપી હતી. તેમણે નવા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને ગોરખનાથ ધામનો પવિત્ર કેસરિયો પટકો પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ પણ સુવેન્દુ અધિકારીની પીઠ થપથપાવીને તેમને નવી જવાબદારી માટે શુભકામનાઓ આપી હતી.
સમગ્ર કોલકાતા આજે કેસરિયા રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. લાખોની સંખ્યામાં ઉમટી પડેલા સમર્થકોએ આ દિવસને બંગાળના રાજકારણમાં એક 'નવા યુગની શરૂઆત' ગણાવી હતી.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
