<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

20 વર્ષ સુધી ભાજપનું જ એકચક્રી શાસન: એક્સિસ માય ઇન્ડિયાના પ્રદીપ ગુપ્તાની ભવિષ્યવાણી

ભારતીય રાજકારણમાં 20 વર્ષના 'જનરેશન સાયકલ'નો સિદ્ધાંત રજૂ કરતા ગુપ્તાએ જણાવ્યું કે ભાજપ અત્યારે તેના સુવર્ણકાળના મધ્યમાં છે: જ્યારે કોંગ્રેસના જૂના યુગની તુલનાએ વિપક્ષ માટે હવે અસ્તિત્વ ટકાવવું એ મોટો પડકાર છે

નવી દિલ્હી: ભારતીય રાજકારણના સૌથી સચોટ 'શેફાલોજિસ્ટ' (ચૂંટણી વિશ્લેષક) ગણાતા એક્સિસ માય ઇન્ડિયાના વડા પ્રદીપ ગુપ્તાએ એક સનસનાટીભર્યા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે રાષ્ટ્રીય રાજકારણમાં ભાજપનો દબદબો આગામી બે દાયકા એટલે કે 20 વર્ષ સુધી અકબંધ રહી શકે છે. ગુપ્તાના મતે, લોકશાહીમાં સત્તાનું પરિવર્તન એક લાંબા ગાળાના ચક્ર (Political Cycle) મુજબ ચાલે છે. તેમણે આજના ભાજપની તુલના આઝાદી પછીના કોંગ્રેસના 'ગોલ્ડન એરા' સાથે કરી હતી, જ્યારે કોંગ્રેસને હરાવવી લગભગ અશક્ય માનવામાં આવતી હતી. આજે ભાજપ એ જ પ્રકારના મજબૂત રાજકીય ચક્રની બરાબર મધ્યમાં ઉભું છે, જ્યાં તેને સત્તા પરથી હટાવવો એ વિપક્ષ માટે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે.

કોંગ્રેસ અને વિપક્ષ વિશે વાત કરતા પ્રદીપ ગુપ્તાએ એક કડવી વાસ્તવિકતા રજૂ કરી છે. તેમણે કહ્યું કે જે રીતે 1977 સુધી કોંગ્રેસે કોઈ મોટા પડકાર વિના શાસન કર્યું હતું, તે જ 20 વર્ષનું 'પેઢી ચક્ર' હવે ભાજપ માટે શરૂ થયું છે. વિપક્ષી દળો, ખાસ કરીને કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર જનતાનો 'વિશ્વાસ' ફરી જીતવાનો છે. ગુપ્તાના વિશ્લેષણ મુજબ, માત્ર ચૂંટણીના વચનો આપવાથી હવે કામ નહીં ચાલે, કારણ કે ભારતીય મતદાતા હવે અત્યંત સમજદાર અને 'પરફોર્મન્સ' ઓરિએન્ટેડ બની ગયો છે. જ્યાં સુધી વિપક્ષ ભાજપના શાસન કરતા વધુ સારું મોડેલ જનતા સામે નહીં મૂકે, ત્યાં સુધી સત્તામાં પરિવર્તનની શક્યતા નહિવત છે.

જોકે, આ આગાહીની સાથે પ્રદીપ ગુપ્તાએ ભાજપ અને NDA ગઠબંધનને એક ગંભીર ચેતવણી પણ આપી છે. તેમણે જણાવ્યું કે જ્યારે જનાદેશ પ્રચંડ હોય છે, ત્યારે જનતાની અપેક્ષાઓ પણ આસમાને હોય છે. ભાજપ અત્યારે એવી ઊંચાઈ પર છે જ્યાંથી સહેજ પણ નબળું પ્રદર્શન તેને સીધું નીચે લાવી શકે છે. સરકાર માટે હવે માત્ર સારું કામ કરવું પૂરતું નથી, પણ અપેક્ષા કરતા અનેક ગણું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું અનિવાર્ય છે. આમ, આગામી 20 વર્ષ ભાજપ માટે જેટલી તકની તક છે, તેટલી જ તે કસોટીની એરણે પણ રહેશે, કારણ કે હવે દરેક નાની ભૂલ પણ જનતાની તીક્ષ્ણ નજરમાં હશે.

(2:41 PM IST)