<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

ભાજપના મોટા સંગઠનાત્મક ફેરફાર: નીતિન નવીને ૨૪ નવા સંયુક્ત મહાસચિવોની કરી નિમણૂક, ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાત સહિતના રાજ્યો માટે નવા પ્રભારીઓ ઘોષિત

સંગઠનને મજબૂત કરવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનો મોટો દાવ, શિવ પ્રકાશ, સૌદાન સિંહ અને ધર્મપાલને સોંપાઈ મહત્વની રાષ્ટ્રીય જવાબદારીઓ

નવી દિલ્હી, તા.૨૪: ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને ગુરુવારે દેશભરમાં સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત અને વેગવંતું બનાવવા માટે એક મોટો ધડાકો કર્યો છે. પાર્ટી દ્વારા ૨૪ નવી મહત્વપૂર્ણ સંગઠનાત્મક નિમણૂકોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં વિવિધ રાજ્યોમાં રાજ્ય મહાસચિવ (સંગઠન) અને સંયુક્ત મહાસચિવોના નામ નક્કી કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય મુખ્યાલય પ્રભારી અને રાજ્યસભા સાંસદ તરુણ ચુઘની સહી સાથે જારી કરાયેલા આ આદેશો તાત્કાલિક અસરથી અમલમાં મૂકી દેવામાં આવ્યા છે.

નવી નિમણૂકો અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ (સંગઠન) શિવ પ્રકાશને આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગોવા જેવા મહત્વના રાજ્યોના સંગઠનાત્મક પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે સૌદાન સિંહને બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત, દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સંગઠનના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ તરીકે ધર્મપાલની નિમણૂક કરવામાં આવી છે, જેનાથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં નવો ઉત્સાહ જોવા મળશે.

બીજી તરફ, વરિષ્ઠ નેતા વી. સતીશને ભાજપના અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) મોરચાના સંગઠનાત્મક પ્રભારી બનાવવા ઉપરાંત સંસદીય કાર્યાલયનો પ્રભારી પદ ભાર પણ સોંપાયો છે. મહારાષ્ટ્રના રાજ્ય મહાસચિવ તરીકે અજય જામવાલની પસંદગી કરાઈ છે, જ્યારે સતીશ ધોંડને મહારાષ્ટ્રના સહ-મહાસચિવ અને ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા મહારાષ્ટ્રના આદિજાતિ બાબતોનો હવાલો સોંપવામાં આવ્યો છે.

આ સાથે જ અન્ય રાજ્યોની જવાબદારીઓમાં રત્નાકરને ગુજરાતના રાજ્ય મહાસચિવ (સંગઠન), ભીખુભાઈ દલસાનિયાને બિહાર, પવન સાઈને ઝારખંડ, સિદ્ધાર્થનને હિમાચલ પ્રદેશ તેમજ મધુકરને આંધ્રપ્રદેશ અને તેલંગાણાના રાજ્ય મહાસચિવ (સંગઠન) તરીકે તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રવિન્દ્ર રાજુને આસામ અને ત્રિપુરાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભાજપના આ વ્યાપક સંગઠનાત્મક ફેરફારોથી આગામી ચૂંટણીઓ પહેલા કાર્યકરોમાં નવો જોશ અને શિસ્તબદ્ધ રણનીતિ જોવા મળશે.

(5:35 PM IST)