<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

મુંબઈની પ્રતિષ્ઠિત એશિયાટિક સોસાયટીની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: પૂર્વ સાંસદ વિનય સહસ્ત્રબુદ્ધે બન્યા નવા પ્રમુખ, કોંગ્રેસના કુમાર કેતકરની કારમી હાર!

હાઈકોર્ટ અને ચેરિટી કમિશનર સુધી કાનૂની જંગ ખેલાયા બાદ યોજાયું મતદાન; સહસ્ત્રબુદ્ધેની પેનલે તમામ મુખ્ય બેઠકો પર 'ક્લીન સ્વીપ' કરીને વિરોધીઓને પછાડ્યા

મુંબઈ : દેશની સૌથી પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક સાંસ્કૃતિક સંસ્થાઓમાંની એક એવી 'એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ' (The Asiatic Society of Mumbai)ના નવા પ્રમુખપદ માટે રમાયેલો હાઈ-પ્રોફાઈલ રાજકીય અને બૌદ્ધિક મુકાબલો શનિવારે આખરે પૂર્ણ થયો છે. આ પ્રતિષ્ઠિત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ રાજ્યસભા સાંસદ ડૉ. વિનય સહસ્ત્રબુદ્ધેએ કોંગ્રેસના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ પત્રકાર કુમાર કેતકરને એકતરફી મુકાબલામાં ધૂળ ચટાડીને પ્રમુખ પદ પર ભવ્ય વિજય મેળવ્યો છે.

આ ચૂંટણી કટોકટી અને રસાકસીથી ભરેલી રહી હતી. મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ મામલો બોમ્બે હાઈકોર્ટ અને ચેરિટી કમિશનરની કચેરી સુધી પહોંચી ગયો હતો, જેના કારણે બંને પક્ષો વચ્ચે ભારે કાનૂની જંગ ખેલાયો હતો. જો કે, તમામ વિવાદો અને આકરી સ્પર્ધા વચ્ચે પણ ડૉ. વિનય સહસ્ત્રબુદ્ધેની આગેવાની હેઠળની આખી પેનલે સોસાયટીના તમામ મુખ્ય હોદ્દાઓ પર ઐતિહાસિક 'ક્લીન સ્વીપ' કરીને વિરોધી પેનલનું સૂરદન વાળી દીધું છે. પ્રમુખપદની રેસમાં ડૉ. સહસ્ત્રબુદ્ધેને મજબૂત ૩૪૯ મત મળ્યા હતા, જ્યારે તેમની સામે લડી રહેલા કુમાર કેતકર માત્ર ૧૪૭ મતો પર જ સમેટાઈ ગયા હતા.

સેક્રેટરી અને વાઇસ પ્રેસિડેન્ટ પદો પર પણ ભગવો લહેરાયો

પ્રમુખ ઉપરાંત સંસ્થાના અન્ય મહત્વના હોદ્દાઓ પર પણ સહસ્ત્રબુદ્ધેની પેનલના ઉમેદવારોએ જંગી બહુમતીથી જીત મેળવી છે. વિવેક વસંત ગણપુલે ૩૫૨ સૌથી વધુ મતો મેળવીને સોસાયટીના માનદ સચિવ (Honorary Secretary) તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ ઉપરાંત, ઉપપ્રમુખ (વાઇસ પ્રેસિડેન્ટ) પદ માટેની પ્રતિષ્ઠિત બેઠકો પર રમેશ પતંગે (૩૨૯ મત), જાણીતા અભિનેતા અને વિચારક નીતિશ ભારદ્વાજ (૩૨૮ મત), પ્રખ્યાત ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી (૩૨૭ મત) અને સંજય દેશમુખ (૩૨૩ મત) વિજેતા જાહેર થયા છે.

મેનેજિંગ અને સ્ક્રુટિની કમિટીમાં વિરોધીઓ સાફ

સોસાયટીની વ્યવસ્થાપક સમિતિ (Managing Committee)ની ચૂંટણીમાં પણ સહસ્ત્રબુદ્ધે પેનલનો દબદબો રહ્યો હતો. જેમાં પ્રાચી મોઘે (૩૪૨ મત), ભાજપના વરિષ્ઠ નેતા માધવ ભંડારી (૩૩૯ મત), મલ્હાર કુલકર્ણી (૩૩૩ મત), પ્રમોદ બાપટ (૩૨૯ મત), વી. એમ. ચક્રવર્તી (૩૨૪ મત) અને રાજેશ બેહરે (૩૨૧ મત) મેળવીને વિજયી બન્યા છે.

જ્યારે ચકાસણી સમિતિ (Scrutiny Committee) માટે સ્નેહા નાગરકરે સૌથી વધુ ૩૭૦ મતો સાથે જીત મેળવી હતી. તેમની સાથે અભિજીત મુલે અને માધવી નરસાલે (૩૬૨-૩૬૨ મત), ઉમંગ કાલે (૩૫٨ મત), અમોલ જાધવ (૩૪૯ મત), મલ્હાર ગોખલે (૩૪૮ મત) અને દત્તાત્રય પંચવાઘ (૩૪૪ મત) ચૂંટાઈ આવ્યા છે. આ પરિણામો દર્શાવે છે કે એશિયાટિક સોસાયટીના સભ્યોએ આ વખતે પરિવર્તન અને સક્ષમ નેતૃત્વની તરફેણમાં એકતરફી મતદાન કરીને ડૉ. વિનય સહસ્ત્રબુદ્ધેની આખી ટીમને સંસ્થાનું સુકાન સોંપ્યું છે.

(11:14 PM IST)