તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
ત્રિપુરા નગર નિગમ ચૂંટણીમાં મતદાન પહેલાં ભાજપનું ભવ્ય ખાતું ખુલ્યું, ૭૭ બેઠકો પર મેળવ્યો બિનહરીફ વિજય
ચકાસણી બાદ ૫ સંસ્થાઓમાં વિપક્ષ સમક્ષ કોઈ દાવેદાર ન મળતાં ભાજપે ફોર્મ ચકાસણી તબક્કે જ સર્જ્યો ઐતિહાસિક દબદબો

અગરતલા : ત્રિપુરામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આગામી ૨૭ નવેમ્બરના રોજ થનારા મતદાન પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય રાજકીય વિજય મેળવીને મોટો ધમાકો કર્યો છે. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાથ ધરાયેલી ચકાસણીમાં જ પક્ષે ૭૭ બેઠકો પર બિનહરીફ જીત હાંસલ કરી લીધી છે, જેની સત્તાવાર પુષ્ટિ બુધવારે ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ ત્રિપુરાની પાંચ નગર નિગમ સંસ્થાઓમાં વિપક્ષ તરફથી યોગ્ય ઉમેદવારી કે મજબૂત પડકારના અભાવે ભાજપના ઉમેદવારો ૭૭ સીટો પર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. રાજ્યની અગરતલા નગર નિગમ સહિત કુલ ૨૧ નગર નિગમ સંસ્થાઓની ૩૪૫ બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૭ નવેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી, ત્યારબાદ મંગળવારે તમામ ફોર્મની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
નામઝદગી પત્રોની ચકાસણી બાદ ૭૭ બેઠકો પર ભાજપ સિવાય અન્ય કોઈ ઉમેદવાર મેદાનમાં ન રહેતાં ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભિક તબક્કે જ ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વર્ચસ્વ સાબિત કરી બતાવ્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિપક્ષી ખેમામાં મોટો સન્નાટો વ્યાપી ગયો છે.
હવે બાકી રહેલી બેઠકો માટે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર તીવ્ર બનાવવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ૨૭ નવેમ્બરે થનારા મતદાન અને ત્યારબાદ હાથ ધરાનારી મતગણતરી પર સૌની નજર ટકેલી છે, જ્યારે પ્રશાસન દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં બાકીની સીટો પર મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
