તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
ભાજપ પ્રજાને ડરાવી ચૂંટણી જીતવા માંગે છેઃ મનીષ સિસોદિયા
ભાજપ પાસે ડર છે, મુદાઓ નથી : આમ આદમી પાર્ટી પાસે લોકોનાં પરિવારને આગળ વધારવાનું વિઝન છે * એ વાતને સ્થાપીત કરવી જરૂરી છે કે ઈમાનદારીની રાજનિતી થઈ શકે છે * દેશને આગળ વધારવો તે આમ આદમી પાર્ટીનું વિઝન જેમાં શ્રેષ્ઠ એજ્યુકેશન ખુબ જરૂરી * રાજકોટ જો સ્વચ્છ હોય તો લોકોના કારણે છે. બીજેપીને કારણે સ્વચ્છ હોય તો દેશનું દરેક શહેર સ્વચ્છ હોવું જોઈએ જ્યાં તેની સત્તા છે.

ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચાનું અવસાન થતાં અકિલા પરિવારનાં મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાનાં તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા તથા દિપકભાઇ નાગ્રેચા અને સમગ્ર અકિલા પરિવાર, ગણાત્રા પરિવાર અને નાગ્રેચા પરિવારને સાંત્વના પાઠવવા આમ આદમી પાર્ટીનાં સિનિયર નેતા શ્રી મનિષ સિસોદીયા અકિલા ખાતે આવ્યા હતા અને દુઃખની લાગણી વ્યક્ત કરી સ્વ. ભાવનાબેનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે આપનાં અજીત લોખીલ, શિવલાલ બારસિયા, દિનેશભાઇ જોશી, દિલીપસિંહ વાઘેલા, યોગરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ,તા.૨૪: આ આદમી પાર્ટીનાં સિનિયર નેતા શ્રી મનીષ સિસોદિયા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. પંજાબના પ્રભારી શ્રી મનિષ સિસોદિયાએ વોર્ડ નં.૧૬માં રોડ શો કરી લોકોને મળ્યા હતા. અકિલા કાર્યાલય ખાતે તેઓએ જણાવ્યું હતું કે, અમે સંપૂર્ણ મહેનત અને ઈમાનદારીથી લાગ્યા છીએ. અમારા માટે એ વાતને સ્થાપીત કરવી ખુબ જરૂરી છે કે ઈમાનદારીની રાજનીતિ થઈ શકે છે. એજ્યુકેશન હેલ્થ જેવા મુદ્ાઓ પર પણ રાજનીતિ થઈ શકે છે. ક્યાં ચૂંટણીઓ હારી રહ્યા છીએ અને ક્યાં જીતી રહ્યા છીએ તે પણ અગત્યનું છે પણ અમને ગુજરાતમાં જીત એટલા માટે દેખાઈ રહી છે કે લોકો તુલના કરી રહ્યા છે કે જો કેજરીવાલને ૧૦ વર્ષની તક મળી તો કામ કરી બતાવશે. એ જ અમારી જીત છે. શ્રી મનિષ સિસોદિયાએ જણાવ્યું કે લોકો કહી રહ્યા છે કે એમ્સ બનાવી દીધી પણ બાકી સરકારી દવાખાનામાં ડોક્ટરો નથી. એ જ અમારી જીત છે. અમારી જીત ત્યાંથી જ શરૂ થઈ જાય છે. જ્યારે લોકો એજ્યુકેશન પર વાત કરવા લાગે છે.
શ્રી મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે આજે ભાજપા પાસે ડર છે. મુદ્ાઓ નથી. તેઓ પ્રજાને ડરાવી ચૂંટણી જીતવા માંગે છે. હું સુરતમાં ગયો ત્યારે લોકોએ જણાવ્યું કે, એમએલએ ધમકી આપીને ગયા છે કે જો અમને વોટ નહિ આપો તો આ રોડ નહિં બને. જે યોગ્ય નથી. આ જનતાને ગુલામ સમજવાની માનસિકતા છે. અમે દિલ્હીમાં કામ કર્યુ, પંજાબમાં કરી રહ્યા છીએ પણ જે અવાજ ઉઠાવે તેને ડામી દેવા, વોટ ન આપે કે પ્રશ્ન પૂછે તેનો વિરોધ કરવો એ ગુલામ સમજવાની માનસિકતા છે. આ ગુલામી દુર કરવા આપ પાર્ટી વિકલ્પના રૂપમાં ઉભી છે. આમ આદમી પાર્ટી પાસે જે વિઝન છે લોકોનાં પરિવારને આગળ વધારવાનું તેનાથી બીજેપી ડરેલી છે.
જ્યારે દિલ્હીમાં આપની સરકાર આવેલી ત્યારે દિલ્હીની પર કેપીટલ ઈન્કમ બે લાખ હતી. જ્યારે ૧૦ વર્ષમાં ૫.૫ લાખ થઈ ગઈ. સારુ એજ્યુકેશન આપો, મોંઘવારીથી લડવામાં મદદ કરો, ટેક્સ ન વધારો, લોકોના વ્યાપારમાં સગવડ આપો તેનાથી પરકેપીટા ઈનકમ વધી. જ્યારે ગુજરાતની પરકેપીટા ઈનકમ ત્રણ લાખે અટકેલી છે. જ્યારે ગુજરાતના જ કેટલાક લોકો જે સત્તાના બહું નિકટના છે. તેમની આવક ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. દિલ્હીમાં અમે સરકાર ચલાવીએ તો દરેક લોકોની આવક વધારવા પર ભાર આપીએ. જે કામ ગુજરાતમાં પણ થઈ શકે છે.
શ્રી મનિષ સિસોદિયાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીનું વિઝન છે કે દેશને આગળ વધારવો, દેશને આગળ વધારવા સારૂ એજ્યુકેશન ખુબ જરૂરી છે. જેને આમા આસ્થા છે તે આમ આદમી પાર્ટીને જ મત આપશે.
સ્વચ્છતા, રોડ વગેરે મુદ્ાઓ વિશે શ્રી મનિષ સિસોદિયાજીએ જણાવ્યું કે દેશમાં કોઈ એક શહેર સ્વચ્છ થઈ જાય તો બીજેપી તેનો ક્રેડીટ લેવા લાગે છે. તેમની સત્તા દેશનાં ઘણા શહેરોમાં છે. લખનઉ, કાનપુર, ઉદયપુર, જયપુર હોય કે ગુજરાતનાં ઘણા શહેરોને સાફ નથી કર્યા. આ રાજકોટનાં લોકોનો મહિમા છે. જો બીજેપીને કારણે સ્વચ્છ હોય તો દેશનું એ દરેક શહેર સ્વચ્છ હોવું જોઈએ જ્યાં તેની સત્તા છે. આમ આદમી પાર્ટી આ મુદ્ા ઉપર કામ કરે છે. જેમ અમે કહીએ છીએ કે અમને એજ્યુકેશન પર કામ કરતા આવડે છે. અમને કોઈપણ શહેર આપો અમે કામ કરી બતાવશું. લોકોએ તેની સ્વચ્છતાની આદત બદલી તેનું ક્રેડીટ બીજેપી લે તે હદ કહેવાય. (૪૦.૩૮)
રાજકોટમાં વિસાવદરવાળી કરીશું...!
આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્ય અને ટોચના નેતાઓમાંના એક સિનિયર નેતા શ્રી મનીષ સિસોદિયા આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ રાજકોટનાં વિદિધ વિસ્તારમાં રોડ-શો કર્યો અને સ્થાનિક લોકોને મળ્યા હતા. તેમણે જણાવ્યું કે આજે જયારે હું લોકોને મળ્યો ત્યારે લોકો ગાડીમાંથી ઉતરી મારી પાસે આવી અને કહી રહ્યા હતા કે રાજકોટમાં વિસાવરવાળી કરીશું. એટલે કે જેમ ભાજપને વિસાવદરમાં હરાવ્યું તેમ રાજકોટ અને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કરીશું. આ ફિલ જ અમારી જીત છે. જેમ દિલ્હીમાં લોકો વિકલ્પ શોધી રહ્યા હતા અમારી જીત એમાં જ હતી.
સ્વ. ભાવનાબેન નાગ્રેચાને
શ્રદ્ધાંજલિ પાઠવતા મનિષ સિસોદિયા
ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચા શ્રીજીચરણ પામ્યા જેનું દુઃખ વ્યકત કરવા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા અને શ્રી દિપકભાઇ નાગ્રેચા તથા સમગ્ર અકિલા - ગણાત્રા અને નાગ્રેચા પરિવારને દિલસોજી પાઠવવા આમ આદમી પાર્ટીના સિનિયર નેતા મનીષ સિસોદિયા અકિલા ખાતે આવ્યા હતા અને ભાવનાબેનનાં દુઃખદ અવસાનથી ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
