તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
વ્યારામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષનો પ્રવાસ: સંગઠનને ધારદાર બનાવવા માટે બૂથ લેવલ સુધી ધમધમાટ
‘વન ડે, વન અસેમ્બલી’ અંતર્ગત જગદીશભાઈ વિશ્વકર્માનો તાપી પ્રવાસ: પ્રાકૃતિક ખેતીથી લઈને સંગઠનાત્મક મજબૂતી પર ભાર

વ્યારા : ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે તાપી જિલ્લાના વ્યારા વિધાનસભામાં ‘વન ડે, વન અસેમ્બલી’ સંકલ્પ સાથે વ્યાપક પ્રવાસ ખેડ્યો હતો. આ પ્રવાસ દરમિયાન તેમણે ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરના જીર્ણોદ્ધારનું ભૂમિપૂજન કર્યું હતું અને સાથે જ પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ કરી સામાજિક જવાબદારીનો સંદેશ આપ્યો હતો. કાર્યકરો સાથેના બૂથ સંવાદ અને વિવિધ બેઠકો દ્વારા તેમણે પક્ષની સંગઠનાત્મક ગતિવિધિઓને નવી દિશા આપી છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંવાદમાં પ્રદેશ અધ્યક્ષે ધરતીપુત્રો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે પ્રાકૃતિક ખેતીને જમીનની ફળદ્રુપતા વધારતી અને સ્વાસ્થ્યપ્રદ ખેતપદ્ધતિ ગણાવી હતી. આ ખેતી પદ્ધતિ પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે અત્યંત આવશ્યક હોવાનું જણાવી તેમણે પ્રગતિશીલ ખેડૂતોના પ્રયાસોને બિરદાવ્યા હતા અને અન્ય ખેડૂતોને પણ આ દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહોલ ખાતે આયોજિત બૂથ સંવાદ કાર્યક્રમમાં કાર્યકર્તાઓને પક્ષની 'કરોડરજ્જુ' ગણાવતા તેમણે સંગઠનની શક્તિને વધુ સશક્ત બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે પક્ષની સૌથી મોટી તાકાત તેના પાયાના કાર્યકર્તાઓ છે, જેમના દ્વારા જ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેક અંતિમ વ્યક્તિ સુધી પહોંચી શકે છે. તેમણે કાર્યકર્તાઓને વધુ સક્રિય બનીને જનસેવામાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું.
ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથેની બેઠકમાં તેમણે લોકસેવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓએ પ્રજાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને સમર્પણભાવથી કાર્ય કરવું જોઈએ. મોરચાની સંયુક્ત બેઠક અને બૃહદ સંકલન બેઠકમાં તેમણે આંતરિક સમન્વય, સક્રિય કાર્યપદ્ધતિ અને જનસંપર્ક વધારવા અંગે જરૂરી રણનીતિ ઘડી હતી. સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ ગતિશીલ બનાવવા માટે તેમણે આગામી કાર્યક્રમોનું આયોજનબદ્ધ કામગીરી કરવા તાકીદ કરી હતી.
વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથેના સંવાદમાં તેમણે સંગઠનના વિકાસમાં તેમના વર્ષોના યોગદાનને યાદ કર્યું હતું. વરિષ્ઠ આગેવાનોના અનુભવો પક્ષની મૂડી હોવાનું જણાવી, તેમણે યુવા અને વરિષ્ઠ કાર્યકરો વચ્ચે સમન્વય સાધીને પક્ષને વધુ મજબૂત બનાવવા આગ્રહ રાખ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે સંગઠન અને સરકાર વચ્ચે સતત સંવાદ અને સંકલન જ વિકાસની ગતિને વેગ આપી શકે છે.
અંતમાં મીડિયાકર્મીઓ સાથેની મુલાકાતમાં તેમણે લોકશાહીના ચોથા સ્તંભની ભૂમિકાને બિરદાવી હતી. તેમણે મીડિયાના સકારાત્મક સૂચનો સ્વીકારી જાહેર હિતના વિવિધ વિષયો પર વિચાર-વિમર્શ કર્યો હતો. આ સઘન પ્રવાસથી વ્યારા વિધાનસભાના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે અને આગામી સમયમાં સંગઠનાત્મક કાર્યોને વેગ મળવાની અપેક્ષા છે.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
