<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

ભાજપ ચૂંટણી જીત્યા બાદ અહંકાર ન કરે, જો હિમ્મત હોય તો સંસદ ભંગ કરીને બેલેટ પેપરથી ચૂંટણી કરાવો: મલ્લિકાર્જુન ખડગે

ચૂંટણી પરિણામો બાદ સત્તાપક્ષ પર પ્રહાર કરતા કોંગ્રેસ અધ્યક્ષે વોટ ચોરીના મુદ્દે વિપક્ષના આંદોલન અને રામલીલા મેદાનની રેલીનું કર્યું એલાન.

નવી દિલ્હી, તા.29: દેશમાં તાજેતરમાં સંપન્ન થયેલી ચૂંટણીઓના પરિણામો અને સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવેલા કટાક્ષ સામે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આક્રમક વલણ અપનાવતા કેન્દ્ર સરકાર પર સખત પ્રહારો કર્યા છે. નવી દિલ્હી ખાતે પક્ષના નેતાઓ સાથેની બેઠક બાદ નિવેદન આપતા ખડગેએ જણાવ્યું હતું કે ભાજપે પોતાના પ્રદર્શન પર ક્યારેય અહંકાર ન કરવો જોઈએ અને જો શાસક પક્ષમાં વાસ્તવિક લોકશાહીનો વિશ્વાસ હોય તો તેમણે હિંમત દાખવીને સંસદ ભંગ કરી દેવી જોઈએ અને દેશભરમાં બેલેટ પેપરથી ચૂંટણી યોજાવી જોઈએ.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, તાજેતરની વિધાન પરિષદની બેલેટ પેપર આધારિત ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષનું પ્રદર્શન અપેક્ષિત ન રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિપક્ષી દળો પર કટાક્ષ કરવામાં આવ્યા હતા, જેના જવાબમાં ખડગેએ આ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે બેલેટ પેપરથી મતદાન અનિવાર્ય છે અને ભાજપના નેતાઓ માત્ર વિજયના નશામાં વાસ્તવિકતાથી દૂર ભાગી રહ્યા છે.

 

આ ઉપરાંત, કોંગ્રેસ અધ્યક્ષે 'વોટ ચોરી' ના ગંભીર આક્ષેપો દોહરાવતા જણાવ્યું હતું કે વિપક્ષી ગઠબંધન આ મુદ્દા પર પોતાનો વિરોધ અને લડત સતત ચાલુ રાખશે. વિરોધ પક્ષો દ્વારા આગામી સમયમાં ચૂંટણી પંચ સામે મોરચો ખોલવાની રણનીતિ ઘડવામાં આવી છે, જેના ભાગરૂપે ૩૦ ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિશેષ 'જનતા દ્વારા મહાભિયોગ' કાર્યક્રમ અને ૧ નવેમ્બરે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ અગાઉ, પ્રસ્તાવિત 'જનતાના મહાભિયોગ' કાર્યક્રમની વ્યુહરચના અને તૈયારીઓને આખરી ઓપ આપવા માટે 'ઇન્ડિયા' ગઠબંધનના શીર્ષ નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાઈ હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કોંગ્રેસ અને સહયોગી પક્ષોના દિગ્ગજ નેતાઓ પ્રિયંકા ગાંધી, કે.સી. વેણુગોપાલ, જયરામ રમેશ, ગૌરવ ગોગોઈ, મહુઆ મોઈત્રા, ડેરેક ઓ'બ્રાયન અને જ્હોન બ્રિટાસ સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

બેઠકમાં ચર્ચા દરમિયાન નક્કી થયા મુજબ, આ આગામી વિરોધ પ્રદર્શનના હિસ્સા રૂપે યોજાનારી મોક પાર્લામેન્ટ (સાંકેતિક સંસદ) માં અંદાજે ૪૦ જેટલા પ્રભાવશાળી વક્તાઓ ભાગ લેશે. આ મોક પાર્લામેન્ટમાં સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષની નીતિઓ અનુરૂપ સાંસદો પોતાના વિચારો રજૂ કરશે, જેમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે વિશેષ સંબોધન કરશે તેમજ લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરા કુમાર આ સમગ્ર કાર્યક્રમની અધ્યક્ષતા સંભાળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 

રાજકીય વિશ્લેષકોના મતે, ચૂંટણી પરિણામો બાદ વિપક્ષ દ્વારા આ પ્રકારે મોા પાયે થનારા વિરોધ પ્રદર્શન અને લોકશાહીના મુદ્દાઓને લઈને છેડાયેલી આ લડત આગામી દિવસોમાં રાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો લાવશે અને સંસદના આગામી સત્રમાં પણ આના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળશે.

(4:29 PM IST)