તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ આરાધના મિશ્રા અને પ્રમોદ તિવારીના કર્યા વખાણ
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નવા સંગઠનાત્મક માળખા વચ્ચે ભાજપના પૂર્વ સાંસદે આરાધના મિશ્રાને 'સજ્જન મહિલા' અને તેમના પિતાને ગ્રાઉન્ડેડ નેતા ગણાવ્યા.

લખનૌ : ઉત્તર પ્રદેશના રાજકારણમાં વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો આવી ગયો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે કોંગ્રેસ દ્વારા ઉત્તર પ્રદેશના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે આરાધના મિશ્રા 'મોના'ની કરાયેલી નિમણૂક પર તેમની પ્રશંસા કરીને સૌને ચોંકાવી દીધા છે. બ્રિજભૂષણ સિંહે આરાધના મિશ્રાને અત્યંત સજ્જન મહિલા ગણાવ્યા હતા અને તેમના પિતા તથા કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ પ્રમોદ તિવારીના જમીની રાજકારણની પણ મુક્ત મને પ્રશંસા કરી હતી.
પોતાના નિવેદનમાં બ્રિજભૂષણ સિંહે જણાવ્યું હતું કે, આરાધના મિશ્રાના પિતા પ્રમોદ તિવારી ઉત્તર પ્રદેશના રાજકારણમાં પોતાના ગ્રાઉન્ડેડ અભિગમથી સતત નવ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે, જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે પુત્રી આરાધના મિશ્રામાં પણ તે જ સંસ્કાર અને મૂલ્યો જોવા મળે છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ વ્યક્તિગત રીતે તેમનો આદર કરે છે, પણ આગામી ચૂંટણીઓ વ્યક્તિગત સંસ્કારો પર નહીં પરંતુ રાહુલ ગાંધીના મુદ્દાઓ પર લડાશે.
આ રાજકીય ઘટનાક્રમ પાછળ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉત્તર પ્રદેશના સંગઠનમાં કરવામાં આવેલો મોટો ફેરફાર જવાબદાર છે. આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આરાધના મિશ્રા 'મોના'ને રાજ્યના નવા પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. આ ઉપરાંત સહારનપુરના લોકસભા સાંસદ ઇમરાન મસૂદને પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે નિમણૂકો તાત્કાલિક અસરથી અમલી બનાવી દેવામાં આવી છે.
કોંગ્રેસના આ નિર્ણયને પાર્ટીના પરંપરાગત સામાજિક સમીકરણો પુનઃસ્થાપિત કરવાના એક વ્યૂહાત્મક પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. પક્ષે બ્રાહ્મણ સમુદાયમાંથી આવતા આરાધના મિશ્રાને પ્રમુખ અને મુસ્લિમ સમુદાયના ઇમરાન મસૂદને કાર્યકારી પ્રમુખ પદ સોંપ્યું છે. આ ઉપરાંત દલિત સમુદાયના રાજેન્દ્ર પાલ ગૌતમ પહેલાથી જ રાજ્ય પ્રભારી તરીકે કાર્યરત છે, જેના દ્વારા પાર્ટીએ પોતાના જૂના વોટબેંક સમીકરણને સાધવાનો પ્રયાસ કર્યો છે.
અગાઉના દાયકાઓમાં ઉત્તર પ્રદેશની સત્તા પર કોંગ્રેસની પકડ મજબૂત હતી ત્યારે બ્રાહ્મણ, દલિત અને મુસ્લિમ સમુદાય તેમની મુખ્ય મતબેંક ગણાતા હતા. પરંતુ મંડળ રાજકારણ અને ભાજપના ઉદય બાદ આ સમીકરણો વિખેરાઈ ગયા હતા. આ સમીકરણ ફરી બેસાડવા માટે પાર્ટીએ ઉત્તર પ્રદેશ એકમમાં અન્ય ફેરફારો કરતા દેવેન્દ્ર નિષાદ અને આલોક પ્રસાદને વરિષ્ઠ ઉપાધ્યક્ષ તથા વીરેન્દ્ર ચૌધરીને વિધાનસભા પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિજભૂષણ શરણ સિંહે તાજેતરમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના પણ વખાણ કર્યા હતા. આ રાજકીય વાતાવરણ વચ્ચે કોંગ્રેસના નવા સંગઠનાત્મક ફેરફારો અને વિરોધી પક્ષના નેતાઓ દ્વારા થઈ રહેલી પ્રશંસા બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં આગામી સમયમાં કેવા સમીકરણો રચાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
