<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

દિલ્હીમાં લોકશાહીના ધબકારા સમાન ભાજપ મુખ્યાલય પર આતંકી હુમલાનું મોટું ષડયંત્ર: રાજધાનીમાં હાઈ-એલર્ટ, આત્મઘાતી હુમલાખોરો અને કાર બોમ્બના ઇનપુટથી સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ!

DDU માર્ગ પર આવેલી BJP ઓફિસ અને સરકારી કચેરીઓ આતંકીઓના નિશાન પર; સંસદ હુમલા અને લાલ કિલ્લાના બ્લાસ્ટના કડવા ઇતિહાસને જોતા દિલ્હી પોલીસ અને પેરામિલિટ્રી ફોર્સે સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવ્યો

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર આતંકી ઓછાયો મંડરાઈ રહ્યો છે. અત્યંત ગંભીર ગુપ્તચર ઇનપુટ્સ મુજબ, આતંકી સંગઠનો સત્તાના કેન્દ્ર ગણાતા દીનદયાળ ઉપાધ્યાય માર્ગ (DDU Marg) પર આવેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મુખ્યાલય અને તેની આસપાસની મહત્વની સરકારી કચેરીઓને નિશાન બનાવવાની ફિરાકમાં છે. આ ભયાનક ષડયંત્રમાં આત્મઘાતી હુમલાખોરો, વિસ્ફોટકોથી લદાયેલી કાર અથવા IED નો ઉપયોગ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સુરક્ષાનો અભેદ્ય કિલ્લો તૈયાર
આતંકી હુમલાના એલર્ટને પગલે સુરક્ષા એજન્સીઓએ કોઈ પણ જોખમ ન લેતા ભાજપ મુખ્યાલયની આસપાસ લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે. દિલ્હી પોલીસ અને પેરામિલિટ્રી ફોર્સના જવાનો દ્વારા દરેક હિલચાલ પર કડક નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ, આતંકીઓ શૂટઆઉટ અથવા બોમ્બ પ્લાન્ટ જેવી પદ્ધતિઓ અપનાવી શકે છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઈમરજન્સી પ્રોટોકોલ લાગુ કરી દેવામાં આવ્યા છે.
દિલ્હીનો લોહિયાળ ઇતિહાસ અને વર્તમાન એલર્ટ
દિલ્હી લાંબા સમયથી આતંકીઓના નિશાન પર રહ્યું છે, જેમાં ૨૦૦૧નો સંસદ ભવન પરનો હુમલો અને ૨૦૦૫ના સીરીયલ બ્લાસ્ટ જેવી ઘટનાઓ સામેલ છે. વર્ષ ૨૦૨૪માં લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટની ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. હાલમાં દિલ્હીના તમામ પ્રવેશદ્વારો, બજારો અને ભીડભાડ વાળા વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય.

(9:25 PM IST)