તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
બંગાળમાં ભાજપની 206 બેઠકો સાથે પ્રચંડ બહુમતી: 9મીએ નવી કેબિનેટ લેશે શપથ
9મીએ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ :દિલ્હીમાં અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બેઠકનો ધમધમાટ: બંગાળમાં પ્રથમવાર ભાજપની પૂર્ણ બહુમતીવાળી સરકાર

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે રાજ્યમાં નવી સરકાર બનાવવાની હલચલ તેજ થઈ ગઈ છે. ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બંગાળમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આગામી 10 મે પહેલા યોજવામાં આવશે. ખાસ કરીને 9મી મેના રોજ વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ હોવાથી, આ દિવસને ભાજપ દ્વારા વિશેષ પસંદ કરવામાં આવ્યો છે. નવી સરકારની શપથ વિધી માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે નવી સરકારની બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માટે આજે દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતાઓની એક હાઈ-પ્રોફાઈલ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં સુવેન્દુ અધિકારી, સમિક ભટ્ટાચાર્ય, ભૂપેન્દ્ર યાદવ અને અમિત માલવિયા જેવા અગ્રણી નેતાઓ હાજર રહેશે. ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને પક્ષના પ્રભારીઓ મંત્રીમંડળના સભ્યોના નામ અને રાજ્યની ભવિષ્યની રણનીતિ અંગે આખરી નિર્ણય લેશે. બેઠકમાં જ નક્કી કરવામાં આવશે કે બંગાળમાં કોને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવશે.
મહત્વનું છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ પુષ્ટિ કરી છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ 9મી મેના રોજ જ નવા મુખ્યમંત્રી શપથ લેશે. બંગાળની સંસ્કૃતિને માન આપતા આ દિવસે નવી સરકારનું આગમન એક મોટો સાંસ્કૃતિક સંદેશ આપશે.
ચૂંટણી પરિણામો ની વાત કરીએ તો, ભાજપે 206 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવીને ઇતિહાસ રચ્યો છે. બીજી તરફ, શાસક પક્ષ TMC માત્ર 80 બેઠકો પર જ અટકી ગયો છે. સૌથી મોટો ઉલટફેર ભવાનીપુર બેઠક પર જોવા મળ્યો છે, જ્યાં મમતા બેનર્જીની હાર થઈ છે.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
