<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારનો ધમાકેદાર પ્રારંભ : શુભેન્દુ અધિકારીએ આયુષ્માન ભારત અને BSF માટે જમીન ફાળવણીના મહત્વના નિર્ણયો લીધા

પ્રથમ કેબિનેટ બેઠકમાં જ બંગાળના વિકાસ અને સુરક્ષા માટે લેવાયા ઐતિહાસિક નિર્ણયો : વર્ષોથી અટકેલી કેન્દ્રીય યોજનાઓને લીલી ઝંડી - સીમા સુરક્ષા દળને મજબૂત કરવા જમીન આપવાની જાહેરાત

 કોલકાતા: પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભાજપ સરકારના મુખ્યમંત્રી શુભેન્દુ  અધિકારીએ સત્તા સંભાળતાની સાથે જ રાજ્યના હિતમાં મોટા નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. પ્રથમ કેબિનેટ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજના 'આયુષ્માન ભારત' લાગુ કરવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. અગાઉની સરકારના વિરોધને કારણે બંગાળના લોકો આ મફત સારવાર યોજનાના લાભથી વંચિત હતા, પરંતુ હવે રાજ્યના દરેક જરૂરિયાતમંદ પરિવારને વાર્ષિક ૫ લાખ સુધીનું સુરક્ષા કવચ મળશે.

કેબિનેટ બેઠકમાં બીજો સૌથી મોટો નિર્ણય દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. શુભેન્દુ અધિકારીએ સરહદી વિસ્તારોમાં સીમા સુરક્ષા દળ (BSF) ના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ચોકીઓના નિર્માણ માટે જરૂરી જમીનની ફાળવણી કરવાની મંજૂરી આપી છે. અગાઉની સરકાર દરમિયાન BSF ને જમીન મળવામાં મુશ્કેલીઓ પડતી હતી, જેના કારણે સરહદની સુરક્ષા પર અસર પડતી હતી. હવે નવી સરકારના આ સહયોગથી ઘૂસણખોરી અને સરહદ પારના ગુનાઓ રોકવામાં મોટી મદદ મળશે.

મુખ્યમંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની સરકાર 'સૌનો સાથ, સૌનો વિકાસ' ના મંત્ર પર કામ કરશે. આયુષ્માન ભારત યોજના લાગુ થવાથી રાજ્યની સ્વાસ્થ્ય સેવાઓમાં ક્રાંતિકારી ફેરફાર આવશે. આ યોજના હેઠળ સૂચિબદ્ધ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓને કેશલેસ સારવાર આપવામાં આવશે. સરકારનો લક્ષ્મ્ય છે કે રાજ્યના દરેક નાગરિકને સસ્તી અને ગુણવત્તાયુક્ત તબીબી સુવિધા મળી રહે.

BSF માટે જમીન ફાળવણીના મુદ્દે બોલતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી છે. સરહદી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેન્દ્રીય દળોને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેના આ સમન્વયથી પશ્ચિમ બંગાળમાં વિકાસની નવી ગતિ જોવા મળશે. કેબિનેટના આ નિર્ણયોને ભાજપના કાર્યકરો અને જનતા દ્વારા વ્યાપક સમર્થન મળી રહ્યું છે.

આ ઉપરાંત, કેબિનેટમાં અન્ય અનેક પડતર પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી. શુભેન્દુ અધિકારીએ વહીવટીતંત્રને આદેશ આપ્યા છે કે તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનતા સુધી ઝડપથી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે. પશ્ચિમ બંગાળમાં આ નિર્ણયોને સત્તા પરિવર્તન પછીના 'સુશાસન' ના પ્રારંભ તરીકે જોવામાં આવી રહ્યા છે, જેનાથી રાજ્યના સામાજિક અને વ્યૂહાત્મક માળખામાં સુધારો થશે તેવી અપેક્ષા છે.

(2:51 PM IST)