<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની વિયેતનામ મુલાકાતને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ: ભાજપના કટાક્ષ સામે કોંગ્રેસનો પીએમ મોદીના વિદેશ પ્રવાસોને લઈને વળતો પ્રહાર

ફ્લાઇટનો વીડિયો વાયરલ કરીને ભાજપે રાહુલ ગાંધીની કાર્યશૈલી અને વિદેશ પ્રવાસો પર સાધ્યું નિશાન; કોંગ્રેસે તેને વ્યક્તિગત મુલાકાત ગણાવીને ભાજપના આરોપોને ફગાવ્યા.

નવી દિલ્હી, તા.20: રાષ્ટ્રીય રાજધાનીમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી પ્રક્રિયાના મુદ્દે વિપક્ષી પક્ષોના વિરોધ પ્રદર્શનો વચ્ચે હવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની વિયેતનામ મુલાકાતને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સોશિયલ મીડિયા પર ફ્લાઇટનો એક કથિત વીડિયો શેર કરીને રાહુલ ગાંધીની વિદેશ યાત્રા પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે, જેના જવાબમાં કોંગ્રેસે પણ વળતો પ્રહાર કરીને આને નેતાની વ્યક્તિગત મુલાકાત ગણાવી છે.

 

ભાજપે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ફ્લાઇટમાં બેઠેલા રાહુલ ગાંધીનો વીડિયો પોસ્ટ કરતા કટાક્ષ કર્યો હતો કે "જુઠ્ઠાણા ફેલાવીને કંટાળી ગયા છો... હું થોડા દિવસો માટે વિયેતનામ જઈશ..." ભાજપના પ્રવક્તા આરપી સિંહ અને નેતા શાઝિયા ઇલ્મીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી રાજકીય મહેનત સહન કરી શકતા નથી અને થોડા દિવસો કામ કર્યા બાદ અવારનવાર રજાઓ પર વિદેશ જતા રહે છે. મત ચોરીનો મુદ્દો માત્ર એક બહાનું હોવાનું જણાવીને ભાજપે તેમની કાર્યનીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા.

 

ભાજપના આ પ્રહારો સામે પલટવાર કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિતે જણાવ્યું હતું કે ભાજપ જાણી જોઈને વિપક્ષના નેતાની અંગત મુલાકાતો પર રાજકીય હોબાળો મચાવી રહી છે. તેમણે સવાલ કર્યો હતો કે અન્ય નેતાઓ વિદેશ જાય ત્યારે કોઈ વાંધો કેમ નથી હોતો? રાહુલ ગાંધી નાગરિક હોવાની સાથે જવાબદાર પદ પર છે અને તેઓ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા બૌદ્ધિકો સાથે સંવાદ કરવા માટે વિદેશ જાય છે. દીક્ષિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો અને સંસદ સત્રો દરમિયાન વિદેશ યાત્રાઓનો ઉલ્લેખ કરીને પીએમ ક્યારેય પ્રેસ કોન્ફરન્સ કરતા ન હોવાની વાત પણ દોહરાવી હતી.

 

ચૂંટણી પંચના મુદ્દે વિરોધ અને ગોવાની 'ગોય રક્ષા યાત્રા'માં ભાગ લીધા બાદ રાહુલ ગાંધીની આ મુલાકાત સામે આવી છે, જેને લઈને બંને મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. આ વિવાદે દેશના રાજકારણમાં નવો રંગ ભરી દીધો છે.

(5:50 PM IST)