<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

રાજસ્થાન નિકાય ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર કૈલાશચંદને મળ્યો માત્ર 1 જ મત: દીડવાના-કુચામન જિલ્લામાં મોટો રાજકીય ધડાકો

વોર્ડ બહારના ઉમેદવાર બનતા ભાજપના ઉમેદવારનું ખાતું પણ ન ખુલ્યું: કોંગ્રેસના હીના ખાનમે 376 મતો સાથે ભવ્ય વિજય મેળવ્યો

જયપુર :  રાજસ્થાનની શહેરી નાગરિક (નિકાય) ચૂંટણીના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં એક અત્યંત આશ્ચર્યજનક અને રમુજી કિસ્સો સામે આવ્યો છે. દીડવાના-કુચામન જિલ્લા હેઠળ આવતી પરબતસર નગરપાલિકાના વોર્ડ નંબર 13 માંથી ચૂંટણી લડનારા ભારતીય જનતા પાર્ટી (BJP) ના સત્તાવાર ઉમેદવાર કૈલાશચંદને પરિણામોમાં માત્ર 1 જ મત મળ્યો છે. 309 શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના 10,000 થી વધુ કાઉન્સિલર પદો માટે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપ ઉમેદવારનો આ કિસ્સો સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

રાજ્ય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર જાહેર થયેલા આંકડા મુજબ, વોર્ડ નંબર 13 માં કોંગ્રેસના ઉમેદવાર હીના ખાનમે 376 મતો મેળવીને શાનદાર જીત નોંધાવી હતી. જ્યારે અપક્ષ ઉમેદવાર રાશિદ ખાન 195 મતો સાથે બીજા સ્થાને રહ્યા હતા. આ બેઠક પર ભાજપના ઉમેદવાર કૈલાશચંદ માત્ર 1 મત મેળવીને છેક તળિયે ફેંકાઈ ગયા હતા.

માત્ર એક જ મત મળવા અંગે સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) સાથે વાત કરતા કૈલાશચંદે ખુલાસો કર્યો હતો કે તેઓ પોતે વોર્ડ નંબર 12 ના નોંધાયેલા મતદાર છે. પરંતુ પાર્ટીએ તેમને પાડોશી વોર્ડ નંબર 13 માંથી ટિકિટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, જેના કારણે તેઓ પોતાનો મત પણ ઉમેદવાર તરીકે પોતાની જાતને આપી શક્યા નહોતા. ઉલ્લેખનીય છે કે 25 વોર્ડ ધરાવતી પરબતસર નગરપાલિકામાં કોંગ્રેસે 13 વોર્ડ જીતીને બહુમતી મેળવી છે, જ્યારે ભાજપે 12 વોર્ડ પર વિજય મેળવ્યો છે.

(7:36 PM IST)