News of Monday, 23rd November 2026
ઇટાલીની મેલેરિયાની દવાથી ભારતના 'બોટલબંધ પાણી'નો પર્યાય બનવા સુધીની બિસ્લેરીની રોચક સફર: FSSAI તપાસ બાદ ફરી ચર્ચામાં
ગોવા પ્લાન્ટના એક નમૂનામાં બ્રોમેટ અને PAH મળી આવતા ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહીની મંજૂરી મળી : ફેલિસ બિસ્લેરીએ શરૂ કરેલી કંપની ૧૯૬૯માં પાર્લેના ચૌહાણ પરિવાર પાસે આવી અને ₹૭,૦૦૦ કરોડના ટાટા સોદાની ચર્ચા વચ્ચે પણ અડીખમ

મુંબઈ : ભારતમાં પેકેજ્ડ પીવાના પાણીનો પર્યાય બની ચૂકેલી 'બિસ્લેરી' બ્રાન્ડ હાલ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથેના કાનૂની વિવાદને કારણે ચર્ચાના કેન્દ્રમાં છે. ગોવા પ્લાન્ટમાંથી લેવામાં આવેલા છ નમૂનાઓમાંથી એક નમૂનામાં બ્રોમેટનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ જણાતા તેને અસુરક્ષિત જાહેર કરાયું હતું; બિસ્લેરીએ આ રિપોર્ટને પડકાર્યો અને અન્ય લેબમાં પાણી શુદ્ધ હોવાનું જણાવ્યું હતું, પરંતુ રેફરલ લેબોરેટરીની તપાસમાં પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન (PAHs) મળી આવતા નિયમનકારે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી છે, જે માત્ર તે એક નમૂના પૂરતી મર્યાદિત છે.
આ વિવાદ વચ્ચે બિસ્લેરીનો ઇતિહાસ અત્યંત રસપ્રદ છે, જેના મૂળ ભારતમાં નહીં પરંતુ ઇટાલીમાં રહેલા છે. ઇટાલિયન ઉદ્યોગપતિ, શોધક અને રસાયણશાસ્ત્રી ફેલિસ બિસ્લેરીએ શરૂઆતમાં મેલેરિયા વિરોધી દવા વેચવા માટે આ બ્રાન્ડની સ્થાપના કરી હતી. ૧૯૨૧માં તેમના અવસાન બાદ ડૉ. સીઝરી રોસી અને ખુસરો સંતુકે ભારતમાં આ વ્યવસાયને આગળ ધપાવ્યો અને ૧૯૬૫માં મુંબઈ નજીક થાણેમાં પ્રથમ બિસ્લેરી વોટર પ્લાન્ટ સ્થાપ્યો. તે સમયે ભારતમાં પાણી માટે પૈસા ચૂકવવા લોકોને અજુગતું લાગતું હતું, પરંતુ મુસાફરી અને શહેરીકરણ વધતા બિસ્લેરીએ મજબૂત વિતરણ નેટવર્ક ઊભું કરીને લોકોની આદતો બદલી નાખી.
વર્ષ ૧૯૬૯માં પાર્લે પરિવારના ચૌહાણ ભાઈઓએ બિસ્લેરી હસ્તગત કરી ત્યારે તેમનું મુખ્ય ધ્યાન સોડા પર હતું, પરંતુ સમય જતાં પેકેજ્ડ પાણીએ સમગ્ર બજાર કબજે કરી લીધું. આજે રમેશ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમની પુત્રી અને વાઇસ ચેરપર્સન જયંતિ ચૌહાણ કંપનીનું નેતૃત્વ સંભાળી રહ્યા છે. નોંધનીય છે કે ૨૦૨૨માં ઉત્તરાધિકારના પ્રશ્ને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સાથે અંદાજે ₹૭,૦૦૦ કરોડમાં બિસ્લેરી વેચવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી હતી, પરંતુ ૨૦૨૩માં તે સોદો રદ થયો અને ચૌહાણ પરિવારે કંપની પોતાની પાસે જ રાખીને તેનું સંચાલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
