<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

ઘરના ફર્નિચરના વેચાણ માટે પણ હવે BIS માર્ક ફરજિયાત

ફર્નિચરનો વેપાર કરનારાઓએ પણ બીઆઈએસના નિયમોનું પાલન કરવું પડશે, નહીં તો જપ્તી..!

નવી દિલ્‍હી,તા.૨૨: ફર્નિચરનું વેચાણ કરનારાઓએ પણ હવેથી બીઆઈએસનો અમલ કરાવવાનો નિયમ લાગુ કરી દેવામાં આવ્‍યો છે. જોકે તેના કારણે ફર્નિચરનો વેપાર કરનારાઓ માટે કહીં ખુશી કહીં ગમ જેવી સ્‍થિતિ પેદા થઇ છે.

ઘરમાં વપરાશ કરવામાં આવતા ફર્નિચર માટે બીઆઇએસ માર્ક લેવું ફરજિયાત હોવાનો નિયમ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ લાગુ કરી દેવામાં આવ્‍યો છે. આ માટે ફર્નિચરના ઉત્‍પાદકોને તે માટેની પ્રક્રિયા પૂરી કરવા માટે તાકીદ પણ કરી દેવામાં આવી હતી. જેથી દોઢ વર્ષના સમયગાળામાં ફર્નિચર બનાવનારાઓ દ્વારા નિયમોનું પાલન કરવા માટેની તમામ પક્રિયા પૂરી કરી દેવા માટે પૂરતો સમય આપવામાં આવ્‍યો હતો. આ સમયમર્યાદામાં ભારતીય ફર્નિચર ઉદ્યોગ ભારતમાં બનેલું મોટાભાગના ફર્નિચર ઉત્‍પાદકોએ બીઆઈએસ રજિસ્‍ટ્રેશન કરાવવાની કામગીરી પૂરી કરી દીધી હતી. ત્‍યારબાદ હવે તેનો કડક અમલ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘરમાં વપરાશ કરવામાં આવતા તમામ ફર્નિચરના વેચાણ કરતા પહેલા બીઆઈએસના નિયમોનું સાર ફર્નિચર બનાવવામાં આવેલું હોવું જોઈએ. જો તેનો અમલ કરવામાં આવ્‍યો નહીં હોય તો બીઆઈએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે આવા ફર્નિચરને જપ્ત પણ કરી લેવા સુધીનાં પગલાં ભરી શકાય તેમ છે. જેથી આગામી દિવસોમાં બીઆઇ એસ દ્વારા શહેરમાં આવેલા ફર્નિચર વિક્રેતાઓને ત્‍યાં તપાસ કરીને નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તે માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્‍યતાઓ ઊભી થઇ છે.

 ગ્રાહકોની ફરિયાદ માટે પણ કરાયેલી વ્‍યવસ્‍થા

ફર્નિચરની ખરીદી કરતા પહેલા ગ્રાહક દ્વારા BIS Care App દ્વારા પ્રોડક્‍ટ પર રહેલા માર્ક અને ઉત્‍પાદકના લાઇસન્‍સની ખરાઈ કરી શકશે. કોઈ ઉત્‍પાદક કે દુકાનદાર હલકી ગુણવત્તાવાળું અથવા માનક માર્ક વગરનું ફર્નિચર વેચતો જણાય તો એપ દ્વારા સીધી ફરિયાદ નોંધાવી શકાય છે. આ ઉપરાંત વેબસાઇટ www.bis.gov. in પર સંપર્ક કરી શકાશે. જેથી ગ્રાહકો છેતરાઇ નહીં તે માટેની તમામ વ્‍યવસ્‍થા પણ ઊભી કરી દેવામાં આવી છે. આ માટે ગ્રાહકે ઓફિસના ધક્કા ખાવા નહીં પડે તેવી પણ ગોઠવણ કરી દેવામાં આવી છે.

ચાઇનાથી આવતું સસ્‍તું ફર્નિચર અટકાવવા પ્રયાસ

સમગ્ર દેશમાં છેલ્‍લા કેટલાય વખતથી સસ્‍તું ફર્નિચર લેવા માટે મોટાભાગના લોકો ચાઇના જતા હોય છે. તેમાં એવું કહેવાય છે કે ભારતમાં જે ફર્નિચર લેવામાં આવે તેની ૩૦થી ૪૦ ટકા જ કિમતમાં ચાઇનાનું ફર્નિચર મળી જાય છે. આ માટે કેટલાક લોકો તો ચાઇના ફર્નિચર ખરીદી કરવા માટે પણ જતા હોય છે. ચાઇના ફર્નિચરવાળા સાથે ભારતના જ કેટલાક એજન્‍ટ સંપર્કમાં હોવાના કારણે તેઓ ગ્રાહક માટે આવવા જવા સહિતની પણ વ્‍યવસ્‍થા કરી આપતા હોય છે. આ ઉપરાંત ગ્રાહક દ્વારા ચાઇનાનું ફર્નિચરની ખરીદી કરવામાં આવ્‍યા બાદ તેના ઘરમાં ફર્નિચર ફિટિગ કરી આપવા સહિતની કામગીરી તેઓ જ કરી આપતા હોય છે. તેમ છતાં ગ્રાહકના ૬૦થી ૭૦ ટકા નાણાંની બચત થતી હોવાનું કહેવાય છે. આ કારણોસર સ્‍થાનિક ફર્નિચર ઉત્‍પાદકોને સીધો ફટકો પડતો હોય છે. તેના નિરાકરણ માટે બીઆઇએસનો અમલ ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો હોવાનું જાણકારો કહી રહ્યા છે.

 

(10:12 AM IST)