<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

બેંગલુરુમાં બર્ડ ફ્લૂનો ફફડાટ ઓછો થયો: 10 દિવસના સઘન સર્વેલન્સ બાદ પણ એકપણ માનવ કેસ નહીં મળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ

હેસરાઘાટ્ટા મરઘાં કેન્દ્રમાં H5N1 વાયરસ દેખાયા બાદ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં; હોસ્પિટલોને શ્વસન સંબંધી બીમારીઓ પર ચાંપતી નજર રાખવા અને PPE કીટનો સ્ટોક રાખવા આદેશ

બેંગલુરુ: બેંગલુરુના ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલા અત્યંત ખતરનાક એવા એવિયન ઈન્ફલ્યુએન્ઝા A (H5N1) એટલે કે 'બર્ડ ફ્લૂ'ના ભય વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સતત 10 દિવસના સઘન સર્વેલન્સ અને દેખરેખ બાદ અત્યાર સુધી એક પણ માનવ ચેપનો કેસ નોંધાયો નથી. જોકે, તંત્ર હજુ પણ કોઈ કચાશ રાખવા માંગતું નથી અને આગામી દિવસોમાં પણ સાવચેતીના તમામ પગલાં ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત 14 એપ્રિલ, 2026 ના રોજ થઈ હતી, જ્યારે બેંગલુરુ નજીક આવેલા હેસરાઘાટ્ટાના મથકુરુ ગામમાં સ્થિત રાજ્ય મરઘાં ઉછેર તાલીમ કેન્દ્રમાં અચાનક પક્ષીઓના મોત થવા લાગ્યા હતા. ભોપાલની પ્રતિષ્ઠિત 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝ' (NIHSAD) માં કરાયેલા પરીક્ષણોમાં H5N1 વાયરસની પુષ્ટિ થઈ હતી. આ અહેવાલ બાદ તરત જ રાજ્ય અને જિલ્લા કક્ષાની 'રેપિડ રિસ્પોન્સ ટીમો' કાર્યરત કરવામાં આવી હતી.

હોસ્પિટલો માટે કડક ગાઈડલાઈન:

આરોગ્ય અધિકારીઓએ બેંગલુરુની તમામ ખાનગી અને સરકારી આરોગ્ય સુવિધાઓને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી છે. ખાસ કરીને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને ગંભીર તીવ્ર શ્વસન ચેપ (SARI) ના લક્ષણો ધરાવતા દર્દીઓની ખાસ તપાસ કરવા જણાવાયું છે. હોસ્પિટલના સ્ટાફની સુરક્ષા માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) કીટનો પૂરતો સ્ટોક રાખવા અને કોઈપણ શંકાસ્પદ કેસની તાત્કાલિક જાણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

સતત મોનિટરિંગ ચાલુ રહેશે:

રાજ્ય આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, હેસરાઘાટ્ટા અને સોનેનહલ્લી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને લોકોના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે. પક્ષીઓમાંથી આ વાયરસ માણસોમાં ન ફેલાય તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી નિયંત્રણ કામગીરી કરવામાં આવી છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ પક્ષીઓના સંપર્કમાં આવતા લોકોને ખાસ તકેદારી રાખવા અને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે. બેંગલુરુના નાગરિકો માટે આ 10 દિવસની 'નો હ્યુમન કેસ' રિપોર્ટ મોટી રાહત લઈને આવી છે.

 

(11:04 PM IST)