<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

ગરીબોના અનાજની ચોરી પર બાયોમેટ્રિક બ્રેક: જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) માં કૌભાંડો રોકવા ડિજિટલ ટેક્નોલોજી વરદાન, પણ પડકારો હજુય અકબંધ; ISB ના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો

૧૬ કરોડથી વધુ પરિવારોને આવરી લેતી સબસિડી યોજનામાં બાયોમેટ્રિક સિસ્ટમથી અનાજના ગેરકાયદેસર ડાયવર્ઝનમાં ૪% નો ઘટાડો; રિયલ-ટાઇમ ડેટા મેનેજમેન્ટથી સપ્લાય ચેઇનના નુકસાન કરતા ૬ ગણો વધુ આર્થિક ફાયદો થવાનો અંદાજ

બેંગલુરુ : ભારત સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ દેશના ૧૬૦ મિલિયન (૧૬ કરોડ) થી વધુ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને સબસિડીવાળું અનાજ પૂરું પાડવામાં આવે છે. જો કે, કડવી વાસ્તવિકતા એ છે કે આ રેશનિંગનું અનાજ તેના અસલી હકદાર સુધી પહોંચે તે પહેલાં જ વચેટિયાઓ અને રેશન દુકાનદારો દ્વારા મોટા પાયે બજારમાં ડાયવર્ટ (ચોરી) કરી દેવામાં આવતું હતું. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ (ISB) ના પ્રોફેસરો સારંગ દેવ અને શ્રીપદ કે. દેવલકર દ્વારા સહ-લેખક માયા ગણેશ સાથે મળીને એક વ્યાપક સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. આ અભ્યાસમાં સામે આવ્યું છે કે રેશનની વાજબી ભાવની દુકાનો (FPS) પર બાયોમેટ્રિક પ્રમાણીકરણ (BA) ઉપકરણો એટલે કે અંગૂઠાના નિશાન અને આધાર કાર્ડ આધારિત ઓળખ પદ્ધતિના ઉપયોગથી અનાજની ચોરી પર મોટી રોક લગાવી શકાઈ છે.
સંશોધકોએ આ મૂલ્યાંકન માટે કર્ણાટક રાજ્યની ૩,૩૦૦ રેશનની દુકાનોના ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું હતું, જ્યાં વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૫ દરમિયાન તબક્કાવાર રીતે બાયોમેટ્રિક મશીનો લગાવવામાં આવ્યા હતા.
રેશનિંગ કૌભાંડમાં ૪% નો ઘટાડો, છતાં દુકાનદારોની ‘સિસ્ટમ બાયપાસ’ ચાલાકી
અભ્યાસના તારણો દર્શાવે છે કે બાયોમેટ્રિક ઉપકરણો ઇન્સ્ટોલ થવાથી અનાજના ગેરકાયદેસર ડાયવર્ઝનમાં ૪ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સરેરાશ ગણતરી કરીએ તો, દર મહિને પ્રત્યેક રેશનની દુકાન દીઠ ૩૬.૩ કિલો અનાજની ચોરી થતી અટકી છે.
જો કે, રિપોર્ટમાં એક ચિંતાજનક પાસું પણ સામે આવ્યું છે. રેશન દુકાનદારો (ડીલરો) ટેક્નોલોજીના આ નિયમોમાંથી બચવા માટે ‘વર્કઅરાઉન્ડ મિકેનિઝમ’ (સિસ્ટમ બાયપાસ કરવાનો રસ્તો) નો ઉપયોગ કરતા હતા. ઘણીવાર ઇન્ટરનેટ કનેક્ટિવિટીની ખામી, પાવર કટ અથવા સેન્સર બગડી જવા જેવી વાસ્તવિક ટેકનિકલ સમસ્યાઓનો ગેરલાભ ઉઠાવીને ડીલરો મેન્યુઅલ એન્ટ્રી કરી લેતા હતા અને અનાજ ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચી દેતા હતા.
ચોરી અટકાવવા સિવાયના બેવડા ફાયદા: ૬ ગણો વધુ નફો
ISB ના પ્રોફેસરોના મતે, આ ડિજિટલ ઇન્ટિગ્રેશન માત્ર ચોરી રોકવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેનાથી થતો ઓપરેશનલ ફાયદો ઘણો મોટો છે. બાયોમેટ્રિક મશીનો દ્વારા મળતા રિયલ-ટાઇમ વેચાણ અને ઇન્વેન્ટરી (સ્ટોક) ડેટાના કારણે અનાજના આયોજન અને લોજિસ્ટિક્સ મેનેજમેન્ટમાં જબરદસ્ત સુધારો થયો છે. કયા ડેપોમાં કેટલા અનાજની જરૂર છે અને ક્યાં ઓવરસ્ટોકિંગ કે અંડરસ્ટોકિંગ છે, તેની ચોક્કસ માહિતી મળવાથી જે બચત થાય છે તે અનાજની ચોરી અટકાવવાથી થતી બચત કરતાં ૬ ગણી વધારે મૂલ્યવાન સાબિત થઈ શકે છે.
નીતિ નિર્માતાઓ અને સરકાર માટે મહત્વના સૂચનો
સંશોધકોએ દેશની સપ્લાય ચેઇન વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે નીતિ નિર્માતાઓને કેટલાક મહત્વના કદમ ઉઠાવવાની ભલામણ કરી છે:
•    ઓડિટ ટ્રેલ અને કડક નિયમો: જ્યારે પણ કોઈ રેશન દુકાનદાર ટેકનિકલ ખામીનું બહાનું બતાવીને બાયોમેટ્રિક વગર અનાજ આપે, ત્યારે તેનું ચોક્કસ લેખિત દસ્તાવેજીકરણ ફરજિયાત કરવું જોઈએ જેથી સિસ્ટમનો દુરુપયોગ અટકે.
•    સંવેદનશીલ વિસ્તારો પર નજર: ગ્રામીણ અને ડિજિટલ ટેક્નોલોજીથી અજાણ એવા ગરીબ વિસ્તારોમાં રેશન ડીલરો ગ્રાહકોની ઓછી સોદાબાજી શક્તિનો ફાયદો ઉઠાવે છે. આવા ઉચ્ચ જોખમવાળા વિસ્તારો અને જ્યારે બજારમાં અનાજના ભાવ આસમાને હોય તેવા સમયે વિશેષ સરપ્રાઈઝ ઓડિટ થવા જોઈએ.
•    જાગૃતિ અભિયાન: ડિજિટલ વિભાજનને દૂર કરવા માટે ગરીબ અને સંવેદનશીલ સમુદાયોમાં બાયોમેટ્રિક સિસ્ટમ અને તેમના અધિકારો અંગે જાગૃતિ ફેલાવવી અત્યન્ટ અનિવાર્ય છે.

(6:18 PM IST)