હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાઈનન્સ પર અત્યાર સુધીનો સૌથી મોટો ક્રિપ્ટો હેક: ૬૦,૦૦૦ કરોડની ચોરી સામે ૯૦% નુકસાન વસૂલ, એફબીઆઈનો ઉત્તર કોરિયા પર આરોપ
હોટ વોલેટ્સ પર સાયબર હુમલાથી ક્રિપ્ટો જગતમાં ખળભળાટ, કંપની દ્વારા રોકાણકારોને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી સાથે ટૂંક સમયમાં ઉપાડ સેવાઓ શરૂ કરાશે

વાશિંગ્ટન:વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બાઈનન્સ પર અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર હુમલો થતાં સમગ્ર ક્રિપ્ટો ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હેકર્સોએ ગત ૨૯ ઓક્ટોબરે બાઈનન્સના હોટ વોલેટ્સને નિશાન બનાવીને આશરે ૬.૩૪ બિલિયન ડોલર એટલે કે અંદાજે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાની જંગી ડિજિટલ સંપત્તિની ચોરી કરી લીધી હતી. આ ગંભીર ઘટના બાદ યુએસ એફબીઆઈ (FBI) દ્વારા સત્તાવાર નિવેદન જારી કરીને આ હુમલા પાછળ ઉત્તર કોરિયા સાથે જોડાયેલા 'ટ્રેડરટ્રેઇટર' નામના હેકિંગ જૂથની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ઘટનાની વિગતવાર માહિતી મુજબ, ૨૯ ઓક્ટોબરના રોજ રાત્રે આશરે ૦૧:૩૫ વાગ્યે થયેલા આ હુમલા બાદ બાઈનન્સ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. કંપનીએ રોકાણકારોને મોટી રાહત આપતા જણાવ્યું છે કે કોર્પોરેટ મૂડી, ફ્યુચર્સ ઇન્શ્યોરન્સ ફંડ અને એસએએફયુ (SAFU) ફંડના માધ્યમથી શરૂઆતમાં ૮૦% અને હવે વધીને આશરે ૯૦% નુકસાન સફળતાપૂર્વક પુનઃપ્રાપ્ત કરી લેવામાં આવ્યું છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ સાયબર હુમલાનો આર્થિક બોજ સંપૂર્ણપણે બાઈનન્સ ઉઠાવશે અને કોઈપણ રોકાણકારને નુકસાન નહીં થવા દેવાય, તેમજ કાયદાકીય એજન્સીઓ સાથે મળીને બ્લોકચેન નેટવર્ક પર અંદાજે ૩ બિલિયન ડોલરની સંપત્તિ સ્થિર કરવામાં આવી છે.
અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈના જણાવ્યા મુજબ, હેકર્સ ચોરાયેલી ક્રિપ્ટોકરન્સીને ઝડપથી ઈથેરિયમમાં રૂપાંતરિત કરીને ડીફાઈ (DeFi) અને ઇન્સ્ટન્ટ સ્વેપ સેવાઓ દ્વારા મની લોન્ડરિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ બ્લોકચેન ઇન્ટેલિજન્સ કંપનીઓ ટીઆરએમ લેબ્સ અને ચેનાલિસિસ દ્વારા પણ આ જ જૂથ તરફ શંકાની સોય તાકવામાં આવી હતી. કંપની હાલમાં બિટકોઈન, યુએસડીટી અને બીએનબી સહિતની મુખ્ય ક્રિપ્ટોકરન્સી માટે ૧૦૦% બેકિંગ સુનિશ્ચિત કરવા માટે બજાર અને ઓવર-ધ-કાઉન્ટર ચેનલો દ્વારા બાકીની ટોકન સંપત્તિઓ ખરીદી રહી છે.
આગામી પગલાં તરીકે, બાઈનન્સ દ્વારા સુરક્ષા ઓડિટ પૂર્ણ થયા બાદ ૧ નવેમ્બરથી તબક્કાવાર ઉપાડ સેવાઓ પુનઃસ્થાપિત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ સોમવાર, ૨ નવેમ્બર સુધીમાં અપડેટેડ પ્રૂફ ઓફ રિઝર્વ રિપોર્ટ પ્રકાશિત કરવાની યોજના જાહેર કરવામાં આવી છે, જેથી વપરાશકર્તાઓ તેમના એકાઉન્ટ બેલેન્સની સુરક્ષા ચકાસી શકે. આ ગંભીર ઘટના ભવિષ્યમાં ક્રિપ્ટો એક્સચેન્જોની સાયબર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એક મોટો પાઠ સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
